માન્યતાઓની સૃષ્ટિના બ્રહ્મા, વિષ્ણુ, મહેશ

Belief

માણસ પોતાની માન્યતાઓ ને સાથે લઇને જીવે છે. એ પોતાના માટે કાંઈક વિચારે છે. બીજા માટે પણ કાઇંક માને છે. પરિસ્થિતિ અને સમય માટે એની પાસે પોતાની માન્યતાઓ છે. આ માન્યતાઓથી એ પોતાના માટે પોતાની એક સૃષ્ટિ ઉભી કરે છે. એટલેજ શાસ્ત્રઓમાં કહ્યું છે, અહં બ્રહ્માસ્મિ. – હું જ બ્રહ્મ છું. માણસ પોતેજ બ્રહ્મા બની પોતાની સૃષ્ટિ નું સર્જન કરે છે. એ કોઈ રેસ્ટોરન્ટમાં જાય છે એક માન્યતા સાથે, એ મિત્રો બનાવે છે માન્યતા સાથે, એ કોઈ નોકરી કે ધંધો કરે છે પોતાની એક માન્યતા સાથે.

એણે બનાવેલી સૃષ્ટિમાં એની માન્યતાઓ મુજબ જ બધું ચાલે છે. એ કોઈના માટે સારી માન્યતા ધરાવે છે કોઈના માટે નબળી. પોતાની માન્યતાઓના જોરે જ એ પોતાની સૃષ્ટિ ચલાવે છે. એ પોતેજ પોતાનો વિષ્ણુ છે. પોતાની ગમતી સૃષ્ટિનું એ વિષ્ણુ બની લાલન પાલન કરે છે.

માણસ એક માન્યતા બાંધે છે કે ગાય શુકનિયાળ હોય અને બિલાડી અપશુકન કરે. આ માન્યતાના લીધે એની પોતાની સૃષ્ટિમાં ગાય અને બિલાડીને પોતાનું સ્થાન મળે. 500 કિલોમીટર દૂર કોઈ બીજા પ્રદેશમાં એક વ્યકતિ બિલાડીને લક્ષ્મીનું ચિહન માને અને એની સૃષ્ટિમાં બિલાડીના અસ્તિત્વનું જુદી રીતે લાલન પાલન થાય. અમુક મિત્રો સાથે એ સંબંધ વધારે છે અમુક સાથે નહિ, અમુક કામ કરે છે અમુક નહિ.

એ ક્યારેક એવું માને છે કે પોતાની શોખની વસ્તુ એ ક્યારેય નહિ કરી શકે અને આખી જિંદગી ઢસરડા કરતો રહે છે. એ માને છે કે કોઈના પર વિશ્વાસ કરવા જેવો નથી અને આખું જીવન એક સારો મિત્ર મેળવી શકતો નથી. એ માને છે કે તબિયત બગડવાથી બહુ ખર્ચો થઇ જશે અને આખી જિંદગી બરફના ગોળાનો સ્વાદ માણતો નથી.

ૐ વિષ્ણવેય નમઃ

અને ક્યારેક ને ક્યારેક તો એવું બનાવાનુંજ કે એણે બાંધેલી માન્યતાઓને ફટકો પહોંચે. એતો માનતો હતો કે એના સંતાનો માત્ર પોતાનું કહ્યું જ કરે. પણ જયારે એની ઉપરવટ જઈ સંતાનો પોતાના જીવનસાથી પસંદ કરે ત્યારે એ પોતેજ શિવ બની પોતાની સૃષ્ટિનો નાશ પણ કરી નાખે છે. જે બાળકોને એ પોતાની સંપત્તિ માનતો હતો એને ઘરની બહાર કાઢી મૂકે છે. માન્યતા તૂટી અને સૃષ્ટિ ખતમ. જયારે જયારે માન્યતા તૂટે છે ત્યારે એ રુદ્ર બની સૃષ્ટિને સાફ કરી નાખે છે.

બ્રહ્મા, વિષ્ણુ અને શિવ બની માણસ માન્યતાઓના આધારે પોતાની સૃષ્ટિ ચલાવે છે. જો માન્યતાઓ સારી તો સૃષ્ટિ એટલે સ્વર્ગ. જો માન્યતાઓ નબળી તો દુનિયા સાવ ઉજડે ચમન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


Scroll to Top