હાથીને સાકળ અથવા દોરડાથી ખીલા સાથે બાંધેલો જોયો હશે. એક હાથી પોતાની સુંઢ વડે ૧૦૦૦ કિલો વજન ખુબજ આરામથી ઉપાડી શકે છે. સિંહ, વાઘ અને ત્યાં સુધી કે ગેંડા જેવા અત્યંત ભયાનક પ્રાણીને પણ હરાવી શકે છે. તો પછી પ્રશ્ન થાય કે આવો તાકાતવાન હાથી શું એક સાંકળ કે દોરડાથી બાંધી શકાય? સિંહને રમકડાની જેમ ઉછાળી દેતો હાથી શું આવા સાધારણ ખીલને ના ખેચી શકે. જંગલ માં ફરતા ફરતા કેટલાયે વૃક્ષોને મૂળ સહીત ખેચી ઉછાળી દેતો હાથી શું તે જે ઝાડ સાથે દોરડાથી બંધાયેલો છે તેને નહિ ઉખાડી શકતો હોય? ક્યારેય આવો પ્રશ્ન થયો છે?
હું જવાબ આપું. આનું કારણ હાથીને મળેલી કેળવણી માં છે. આ હાથી જયારે નાનું તાજું જન્મેલું બચ્ચું એટલેકે મદનિયું હતું ત્યારે તેને પહેલી વાર આ રીતે મજબુત સંકળથી કદાવર ઝાડ સાથે બાંધી દેવામાં આવેલ. ત્યાં તેને ઘણા ધમ-પછડા કર્યા છુટવા માટે. બહુ લાંબા સમય સુધી તે જોર કરતો રહ્યો આ બંધન તોડવા માટે. પણ નાનું હોવાના કારણે તે આ મજબુત બંધન માંથી છૂટી ના શક્યું. ધીરે ધીરે બચ્ચું મોટું થયું. પણ બંધન એમને એમ રહ્યું. બંધન ની તેને ટેવ પડી ગઈ. ઝાડ ઉખાડીને ખાવા કરતા સાંકળ માં બાંધીને સામે નીરેલા કેળાની લૂમ ખાવાની તેને આદત પડી ગઈ. તેણે માની લીધું કે આ બંધન તોડવું શક્ય નથી. બસ પછીતો ગાળામાં સંકળ હોય એટલે પત્યું. સાવ સામાન્ય ગાયના ખીલે બાંધી દો તો પણ હાથી માટે બંધન તોડવું અશક્ય. આમને આમ તે ગજરાજ માંથી હાથીદાદા બની ગયો.
આ વાત કદાચ ભારતના એક એક વ્યક્તિ માટે લાગુ પડે છે. નિર્માલ્યતા તો જાણે આપણી રગે રગ માં દોડે છે.
તમારામાંથી પણ ઘણા ને નાના બાળકો હશે. વિનંતી કરું છું આપ સૌને કે કેળવણીને નામે તેને પણ “ગજરાજ” માંથી “હાથીદાદા” ના બનાવી દેતા.