કલકત્તા ખુબ મોટું શહેર. તેના એક લત્તાનું નામ સિમલા. દોઢસો વરસ પહેલાની આ વાત છે. એ લત્તાના એક ઘરમાં ભુવનેશ્વરી રોજ શંકર ની પૂજા કરે. પુત્ર માટે તે રોજ શંકરની પૂજા કરતા. ભુવનેશ્વરીની પ્રાર્થના શંકર ભગવાને સાંભળી. અને ઈ.સ. ૧૮૬૩ના જાન્યુઆરીની ૧૨મી તારીખે વહેલા પરોઢિયે એક પુત્રનો જન્મ થયો. તે દિવસે હતી મકરસંક્રાંતિ. આ છોકરો જ પાછળથી વિશ્વવિખ્યાત સ્વામી વિવેકાનંદ થયો. નાનપણમાં તેને લોકો બિલે કહેતા. તેના પિતાનું નામ હતું વિશ્વનાથ દત્ત. વિશ્વનાથ મોટા વકીલ હતા. ખૂબ પૈસા કમાતા. ઘરમાં નોકર-ચાકર, ગાડીઘોડા વગેરેની સાહેબી હતી. ખરચ પણ ખૂબ કરતા. ગરીબોને દાન પણ ખૂબ આપતા. તેમણે રસોડે કેટલાય અતિથિઓ જમતા.
કોઈ કોઈ માણસો બચપણથી જ ખૂબ દયાળુ હોય છે. પારકાનું દુ:ખ જોઇને તે દૂર કરવાનો પ્રયત્ન કરે. બિલે પણ તેવો જ હતો. તેને ઘેર સાધુસંન્યાસી વગેરે કેટલાય ભિક્ષા માગવા રોજ આવતા. ભિખારી આવે એટલે તેને બિલે જે કાંઈ હાથમાં આવતું એ આપી દેતો. ચીજ કીમતી છે કે આપવા જેવી છે કે નહિ એનો કંઈ વિચાર જ કરતો નહિ.
બિલે સાત વરસનો થયો, એટલે તેને નિશાળે બેસાડ્યો. ત્યાં બધા તેને તેનું સાચું નામ ‘નરેન્દ્ર’ કહીને બોલાવતા. પણ નિશાળે બેસાડતાં પહેલાંય નરેન્દ્ર ઘેર ભણતો. તેને ભણાવવા એક શિક્ષક આવતા. નરેન્દ્ર એક વાર જે સાંભળતો એ તેને યાદ રહી જતું; તે કદી ભૂલતો નહિ. છ વરસનો થયો એ પહેલાં તો તેને રામાયણ મહાભારતની વાતો અને સરળ વ્યાકરણ પણ મોઢે કરી લીધા હતા. એક વડીલ સ્વજન એને ખોળામાં બેસાડીને એ બધું શીખવતા.
ઘેર શિક્ષક ભણાવવા આવે એટલે નરેન્દ્ર તેમના હાથમાં ચોપડી મૂકતો અને ક્યાંથી ભણાવવાનું છે એ બતાવતો; પછી શિક્ષકને કહે: ‘ગુરુજી, તમે વાંચીને એનો અર્થ સમજાવતા જાઓ. એ સંભાળીને મને યાદ રહી જશે.’ એમ કહીને નરેન્દ્ર ક્યારેક બેઠો બેઠો તો ક્યારેક સૂતો સૂતો ધ્યાન દઈ ને સાંભળતો. આમ તેને બધો પાઠ યાદ રહી જતો, પછી ફરી વાર વાંચવો પડતો નહિ. આ રીતે નરેન્દ્રને પાઠ તૈયાર કરતાં વધારે વખત લાગતો નહિ. એટલે બીજી બાબતો, રમતગમત વગેરે માટે તેને ઘણો સમય રહેતો. તે ગાવા બજાવવાનું શીખતો; લાઠી-દાવ, કુસ્તી, ઘોડેસવારી, તરતાં વગેરે બધું શીખતો.
નરેન્દ્રને બીક જેવું કશું હતું જ નહિ. પોતાના ભાઈબંધોને તે ખૂબ ચાહતો. રમત રમતી વખતે, નિશાળમાં, વાતચીતમાં બધે વખતે તેના મિત્રો તેને પોતાના નેતા તરીકે ગણતા. સંકટ સમયે મગજ ઠંડુ રાખીને નરેન્દ્ર પોતાની ફરજ બજાવતો. નરેન્દ્રના ઘરની પાસે એક વ્યાયામશાળા હતી. ભાઈબંધોને લઇ જઈને નરેન્દ્ર ત્યાં કસરત કરવા જતો.
કોલેજના સમય દરમ્યાન નરેન્દ્રની મુલાકાત શ્રીરામકૃષ્ણ પરમહંસ સાથે થઇ. ધીરે ધીરે નરેન્દ્રનું મન સન્યાસ તરફ વળ્યું અને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું. સ્વામીજીએ મોટે ભાગે પગે ચાલીને આખા ભારતની પ્રદક્ષિણા કરી અને સુતેલા ગુલામ ભારતની જગાડી તેને ફરી તેજસ્વી બનાવવાનો નિર્ણય કર્યો. અમેરિકા વિશ્વધર્મ પરિષદમાં ભાગ લઇ ભારતની સંસ્કૃતિ અને હિંદુ ધર્મનો ડંકો આખી દુનિયામાં વગાડી દીધો. દેશ વિદેશમાં હજારો લાખો લોકો તેમના શિષ્યો બન્યા અથવા તેમના માર્ગદર્શનને અનુસર્યા.
સ્વામી વિવેકાનંદએ દરેક ને નિર્ભય બનવાનો, બહાદુર બનવાનો, ત્યાગ અને સેવાનો તથા સફળતા માટે અથાગ મહેનત કરવાનો સંદેશો આપ્યો. માત્ર ૩૯ વર્ષ જીવી તેમને ધરતી પરથી વિદાય લીધી. પણ તેમણે આપેલ સંદેશે મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોસ, જવાહર લાલ નહેરુ, અબ્દુલ કલામ, અન્ના હઝારે જેવા હજારો મહાનુભાવોને પ્રેરણા આપી જેના લીધે ભારત આઝાદ થયું અને વિકાસના પંથ પર આગળ વધ્યું.
ભારત માતાના આવા મહાન સંતાનને તેમના ૧૫૦માં જન્મ વર્ષમાં આપણે સહુ તેમના વિચારોને વાંચીએ, સમજીએ અને આગળ વધીએ તેવી સહુને શુભેચ્છાઓ.