શું ઈશ્વર છે? જો છે તો તેના સુધી કેવી રીતે પહચવું? આ સવાલોના જવાબને જ કદાચ બ્રહ્મજ્ઞાન કહેવાતું હશે. આ સવાલોના જવાબ માટે હજારો હજારો વર્ષોથી મનુષ્ય પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ કોણ ખરેખર ગોતી શક્યું છે એ ખબર નથી અને જે જવાબ મળ્યા છે એ પણ સાચા છે કે કેમ એની વાત પણ કોઈ કરી શકતું નથી. દરેક ને પોતાનો જવાબ મળે છે. કેટલાક જવાબ મેળવી મુક્ત થઇ જાય છે, તો કેટલાક પોતાને જે જવાબ મળ્યો એજ સાચો એમ માની જીવે રાખે છે. કેટલાક પોતાનો જવાબ જ શ્રેષ્ઠ છે એમ માને છે તો કેટલાક પોતાનો જવાબ બીજાને ગળે ઉતારવા માટે પ્રયાસો કરતા રહે છે. અને એ પ્રયાસો ઉપદેશ થી માંડી વ્યાપક સંહાર સુધી પહોંચી જાય છે.
કેટલા બધા મતો છે. દરેક ભગવાનની સ્તુતીમાં કહેવાયું છે મનેજ ભજ બીજા કોઈને નહિ, દરેક નદી માટે કહેવાય છે જે નહાય તે પુણ્યશાળી , દરેક ધર્મસ્થાન ગેરેન્ટી આપે છે મુક્તિની, દરેક ઉપવાસ પાપ બાળી નાખવાની વાત કરે છે, કોઈક મૂર્તિ પૂજવાનું કહે છે કોઈ કહે છે ધ્યાન ધરો, કોઈ સાકાર તો કોઈ નિરાકાર ઈશ્વરની વાત કરે છે, કોઈ દ્વૈત તો કોઈ અદ્વૈત હોવાનું સ્વીકારે છે. હવન કરવા કે કથા? નામ જાપ કરવા કે પીડિતોની સેવા? આવાતો હજુ હજારો ઉપાયો હશે જે ઈશ્વર સુધી પહોંચાડવાનું કહે છે. તો સાચું શું?
આજે સુરત માં છું. સ્ટાર્ટઅપ પર લેક્ચર આપવા આવ્યો છું. હું તો બિઝનેસ નો માણસ છું. અને બિઝનેસ નો નિયમ છે. તમને જે સારામાં સારું આવડે છે એ કરો અને એ જ કરો. ફોકસ. સુરતમાં તાપી નદી પરથી ચાલીને પસાર થતા વિચાર આવ્યો કે શું આજ વાત ઈશ્વરને પણ લાગુ પડે? ચોક્કસ પડે. તમને જે પણ ફાવે છે, જે ગમે છે, જે અપીલ કરે છે એ કરો. અને બસ એ જ કરો, ચોંટી રહો. ફોકસ. બસ આજ ઈશ્વર સુધી લઇ જશે.
આ કદાચ મારો જવાબ છે જે મને સંતોષકારક લાગે છે. કોઈને દબાણ નથી કે આ જ સાચો છે અને એને સ્વીકારો. તમે તમારો જવાબ શોધવા મુક્ત છો.
લખ્યા તારીખ: 20 ફેબ્રુઆરી 2017, સુરત.