તશ્ક
પુષ્કલ
અંગદ
ચિત્રસેન
શુબાહુ
શુતીસેન
સંભાળ્યા છે ક્યારેય આ રજાઓના નામ?
કદાચ અંગદ જેવા નામથી વાલીપુત્ર અંગદ યાદ આવી જાય પણ એમાં નામ સિવાય બીજું કોઈ સામ્ય નથી. એ અંગદ કિષ્કિંધા નગર નો રાજા હતો. અહિયા જે અંગદનું નામ છે એ અલગ છે.
મૂળ વાત. ઓળખાણ પડે છે આમાંથી કોઈ નામની? કોણ હતા આ લોકો? કોના સંતાનો હતા? શું પરાક્રમ કર્યું કે એના માટે આજે અહિયા લખાઈ રહ્યું છે? કદાચ નહિ. કશી ખબર નહિ પડે.
ચાલો બીજો સવાલ.
લવ અને કુશ.
ઓળખો છો આ બંને ને? હા…. ઓળખીયે છીએ, રામના સંતાનો.
તો પછી આગળ જે નામ લખાયા તે અનુક્રમે ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નના સંતાનો હતા. રામ ના ભાઈઓ તરીકે આખી દુનિયા આમને જાણે છે. ભરત અને લક્ષ્મણના તો આદર્શ ભાઈ તરીકે ઉદાહરણ અપાય છે. ભારતીય ઇતિહાસમાં અને આખા ભારતના તમામ ઘરમાં રામ લક્ષ્મણ ના નામ તો એક શ્વાસમાં જ લેવાય છે. તો પછી આવું કેમ કે રામ ના પુત્રો લવ અને કુશને આખું જગત ઓળખે છે અને બાકીના ત્રણે ભાઈઓના સંતાનોને કોઈ નહિ?
આ બાબત માં મારું તારણ કદાચ સહુને નવાઈ પમાડે તેવું છે પણ મારા માનવા મુજબ સાચું છે.
લવ કુશને આખી દુનિયા એટલા માટે યાદ કરે છે કે તેઓ સીતાના સંતાનો હતા, એટલા માટે નહિ કે રામના.
ચોકવાની જરૂર નથી. લવ કુશના જન્મની તો જાણ પણ રામને નહોતી. સીતાએ રામના આ બંને જોડકા બાળકોને વાલ્મીકી ના આશ્રમમાં જન્મ આપ્યો. એ સીતા કે જે જનક રાજાની પુત્રી હતી, ચક્રવર્તી રામ ની પત્ની હતી, દિગ્વિજયી રાજા દશરથની પુત્રવધુ હતી, એ સીતાએ એક ઝુંપડામાં પોતાના બાળકોને જન્મ આપ્યો. પોતે વાવેલું, પોતાના હાથે લણેલુ અને હાથે ખાંડેલું અનાજ ખવરાવી મોટા કર્યા, લાકડા કાપી ચૂલો સળગાવ્યો, પારકા ઘરે રહી પોતાના બાળકો ને શિક્ષિત કર્યા, સ્વાવલંબી બનાવ્યા. અપાર દુખોની વચ્ચે પણ ક્યારે ના તો પોતાના રાણીપણાને ડોકાવા દીધું કે ના ક્યારેય હસતા ચહેરાને મુરજાવા દીધો. ના તો કોઈ દિવસ પોતાના પતિની ફરિયાદ કરી કે ના પોતાના ભાગ્યની. મિથિલામાં પુત્રી નો ધર્મ પુરો કર્યો, અયોધ્યાથી લઇ લંકા સુધી પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો અને છેલ્લે ઘોર જંગલમાં પોતાનો માતૃ ધર્મ નિભાવ્યો. અને આ બધું હસતા હસતા અને હૃદય પૂર્વક.
આજ સ્ત્રીની શક્તિ હતી કે લવ કુશ જેવા સંતાનો આ ધરતીને આપી શકે. નસીબ જોગે લવ કુશ ને અયોધ્યાનું રાજ તો મળી ગયું પણ શું એ રાજ ના મળેત તો એને કોઈ ઓળખેત નહિ એવું માનો છો? હું તો નથી માનતો. રામ સાથે મળ્યા પહેલા જ એ બાળકો સંગીત માં પારંગત થયા હતા, આયુર્વેદ માં નિપુણ થયા હતા, યોગ માં પ્રવીણ થયા હતા અને ધનુર્વિદ્યામાતો પુછશો જ નહિ. લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને રણભૂમિ માં ધરાશાહી કરી દેનાર અને હનુમાન ને પોતાના અતુટ બંધન માં બાંધી દેનાર એ બાળકો કોઈની ઓળખાણ કે કોઈ રાજ્ય ના મહોતાજ નહોતા. કારણ? કારણ કે એ સીતાના સંતાનો હતા………
હે પ્રભુ આ દેશને એવી થોડી સીતા હજુ આપ કે જે લવ કુશ ની ભેટ આ જગતને આપી શકે.