સારી અને માધ્યમ કક્ષાની રેસ્ટોરન્ટસ થી માંડી ધાબા અને ખુમચા પર આ શ્રાવણ મહિનામાં આવા બોર્ડ અને ગ્લોસ્સી મેનુ જોવા મળી રહ્યા છે.
ફરાળી ગાંઠિયા
ફરાળી પીઝા
ફરાળી ભજીયા
ફરાળી ઉપમા
ફરાળી ખીચડી
ફરાળી ઢોંસા
ફરાળી ઉત્તપા
ફરાળી હોટડોગ
અને હા એક સારી હોટેલ તો ફરાળી શબ્દનો સાચો ઉચ્ચાર ફળાહારી લખે છે. તેમની ફળાહારી પ્લેટરમાં હોટડોગ, ખીચડી, સુકીભાજી, પૂરી, બાસુંદી, એવું ઘણું બધું હોય છે, કિંમત ૨૩૦ રૂપિયા એક થાળીના.
મને પ્રશ્ન એ થાય છે કે આ ફળાહારનો મતલબ શું થતો હશે? ફળ નો આહાર? ભાષાના નિયમો મુજબ તો આવો જ થાય પણ વાસ્તવમાં એવો થતો નથી.
મૂળભૂત રીતે ઉપવાસ એ શરીર અને મન ને નિર્મળ કરવા માટેનો સીધો સાદો રસ્તો છે. જેમ દરેક મશીનને આરામની જરૂર પડે તેમ શરીરના પાચન તંત્ર કે મન ના વિચાર તંત્રને પણ આરામની જરૂર હોય છે. આયુર્વેદમાં ઉપવાસને સર્વશ્રેષ્ઠ ઔષધ કહેવામા આવ્યું છે અને શાસ્ત્રોમાં તેને એક તપ કહેવામાં આવ્યું છે. દરેક વ્યક્તિએ પોતાના શરીર અને મન ની જરૂરિયાત મુજબ ચોક્કસ સમયાંતરે દરેક મુખ્ય પ્રવૃત્તિઓને ધીમે અથવાતો બંધ કરી શાંતિ અને સ્થિરતા મેળવવા માટે પ્રયાસ કરવો જોઈએ. ૧૦ થી ૨૦ કલાક ની સતત પ્રવૃત્તિઓ, ક્યારેક જોઈતા પોષણનો અભાવ અને કયારેક વધારે પડતો ખોરાક, માનસિક તાણ આ બધા વચ્ચે જો શરીર અને મન ને આરામ આપવામાં આવે તો શરીર અને મન પોતાની જાત ને રીચાર્જ કરી શકે અને વધુ કાર્યક્ષમતા મેળવી શકે. પોતાની જરૂરિયાત મુજબ માણસ ક્યારેક શરીરને ખોરાક પચાવવામાંથી વિરામ આપે. ચિત્તને શાંત રાખી, શાંતિથી બેસે, જો ઈશ્વરમાં માનતો હોય તો તેના નામ નું સ્મરણ કરે, અથવા કોઈ સારું પુસ્તક વાંચે. આમ કરી સંપૂર્ણ શાંતિનો અનુભવ કરે, સ્વાસ્થ્ય સુધારી કાર્યક્ષમતામાં વધારો કરે. આ આખી પ્રક્રિયાને કહેવાય ઉપવાસ. ક્યારેક કોઈ કારણસર શરીરમાટે થોડા ખોરાકની જરૂર હોય જ તો પાણી, દૂધ, ફળ જેવો ખોરાક માત્ર જરૂરિયાત પુરતો લે. જેને કહેવાય ફળાહાર.
પણ જો પીઝા ખાવાજ છે તો શંકર ભગવાન ક્યાં આપણને કહે છે કે “મારા સમ, આજે સોમવારનો ઉપવાસ કરજેજ” ઉપવાસના નામે આ બધું ખાવું તેના કરતા જો રોજનો ખોરાક ખાશું તો શરીરને ઓછું નુકશાન થશે.
જે ઋષિઓએ ઉત્સવો અને ઉપવાસની પદ્ધતિઓ સુચવી છે તે કોઈ ગાંડા બાવા નહોતા. આપણી કરતા બહુ વધુ સમજુ અને જ્ઞાની હતા. સાડા ચાર મહિનાના એકટાણા કેમ? કારણકે ચોમાસામાં પાચન શક્તિ અત્યંત મંદ પડી જાય ખાધેલું પચે નહિ, માટે એક વાર જમવું. તો પછી રાત્રે ફરાળી ગાંઠીયા ખાવાનો કોઈ મતલબ ખરો? જો સાડા ચાર મહિના ના થઇ શકે તો શ્રાવણ એક મહિનો કે જયારે ઋતુજન્ય અને પાચન ના રોગો સૌથી વધુ હોય ત્યારે એકટાણા કે ઉપવાસ કરવા. શરદ પૂનમમાં દૂધ પૌવા કેમ? કારણકે ભાદરવા મહિનામાં સખત તાપને લીધે પિત્ત નું પ્રમાણ વધી જાય, તેના શમનમાટે દૂધ અને દહીં લેવા જોઈએ. નવી શેરડીનો નવો ગોળ જાન્યુઆરીમાં આવી જાય ત્યારે ઠંડીમાં શિંગ, તલ વગેરે શક્તિદાયક પદાર્થોની ચીકી બનાવીને ખાવી જોઈએ. નહિ કે આખું વર્ષ ગમે ત્યારે ફરાળ તરીકે. શિયાળામાં ઘી અને બીજા પોષક તત્વો ખાવાથી શરીરમાં કફ નું પ્રમાણ વધ્યું હોય ત્યારે ઠંડીના અંતિમ દિવસો માં ધાણી અને દાળિયા જેવા સુકા પદાર્થો ખાવાથી કફનો નાશ થાય. ક્યારે શું ખાવું, અને ક્યારે શું ના ખાવું અને ક્યારે કશું ના ખાવું એ આખી આહાર પ્રક્રિયા એક વિજ્ઞાન છે જેને બહુ ગહન અભ્યાસ પછી તૈયાર કરવામાં આવી છે. જો તેને સમજી લેશું અને તે મુજબ શરીરને ખોરાક આપશું તો આ શરીર બહુ લાંબા સમય સુધી સાથ આપશે અને એ પણ દવા ના એક પૈસાના ખર્ચ વગર.