ભગવાને ઘર બદલ્યું છે….

એક સમય હતો…. કે ત્રિલોક ના સ્વામી ભગવાન વિષ્ણુ લોકોની રક્ષા માટે ધરતી પર અવતાર લેતા. અને ઇતિહાસ સાક્ષી છે કે હરેક વખતે એમણે હિન્દુસ્તાનની ધરતી પસંદ કરી. હિરણ્યકશિપુ ને મારવા નરસિંહનો અવતાર હોય કે સહ્સ્ત્રજુનને મારવા પરશુરામનો. રાવણ અને કંસના ત્રાસ અને વિનાશ માંથી આ ધરતીને છોડાવવા માટે રામ અને કૃષ્ણ પણ અહીજ થયા છે, ભારતમાં.

પણ કદાચ ભગવાનને હવે એવું લાગે છે કે આ ધરતી હવે વીર-વિહીન થઇ ગઈ છે. મારા દશ અવતારોની આડ લઇ પોતાની કાયરતા છુપાવવા પ્રયત્ન કરે છે. હનુમાન, અર્જુન જેવા વીર અને ધ્રુવ, પ્રહલાદ જેવા ભક્ત પકવવાનું આ ધરતીએ કદાચ બંધ કરી દીધું છે. બહુ ભારે હૈયે પણ હવે ઈશ્વરને એવું થાય છે કે આ કાયર પ્રજાને બચાવવા જવાનો હવે કોઈ મતલબ નથી. જે પોતાની રક્ષા કરવા માટે સંપૂર્ણ નાલાયક છે.

માટેજ હવે ભગવાને ભારતનો સાથ છોડ્યો છે. એ હવે અમેરિકા કે દુનિયાના કોઈ બહાદુર દેશમાં જન્મ લેશે કે જ્યાં પ્રજામાં હજુ મર્દાનગી, ખમીર અને બહાદુરી જીવિત હોય.

ધન્ય છે એ લોકોને જેણે આજના રાવણ એટલેકે ઓસામા બિન લાદેન ને તેનીજ લંકામાં જઈને ખતમ કર્યો. શિવાજી, મહારાણા પ્રતાપ, ચંદ્રગુપ્ત મૌર્ય કે પૃથ્વીરાજ ચૌહાણમાટે અને તેની જનેતાઓ માટે જે બિરદાવલીઓ આપણા કવિઓએ રચી છે કદાચ તેવીજ મર્દાનગી ભરી રચનાઓ આ અમેરિકન સૈનિકો માટે બનાવવી પડે.

અમેરિકા પોતાના દેશને માતા નથી કહેતું. પણ તેમ છતાં તેની રક્ષા કેમ કરાવી એ એમને આવડે છે. એક વખત…. માત્ર એક વખત “અમેરિકા માતા” અને તેની પ્રજાને આતંકવાદીઓએ ટાવર પર હુમલો કરી છંછેડી…. અને એ ઘડી અને આજનો દિવસ. દુનિયાના કેટલાય દેશો ની સત્તા બદલી નાખી… કેટલાય સરમુખત્યારોને ધરતી છોડાવી દીધી.. કેટલાય આતંકવાદીઓના આખા કુળનો નાશ કરી નાખ્યો. અને છેલ્લે… એ લોકોના બાદશાહને એમનાજ ઘરમાં ઘુસી એ રીતે માર્યો કે કબર પણ નસીબ ના થવા દીધી. પાણીમાં મેળવી દીધો.

અને અપણે?? ભારતને માતા કહીએ છીએ અને જયારે એના અંગો જે કાપે છે ત્યારે ત્રણ વાંદરા બની બેસી રહીએ છીએ. દેશના અને સમાજના દુશ્મન સામે લડવાની કે બદલો લેવાની તો વાત જવાદો. ૨-૪ વીર યોદ્ધાઓએ પોતાના જીવના સાટામાં જેણે પકડ્યા હોય છે તેને પણ આ માતાનું લોહી પીવા માટે વર્ષોના વર્ષો જીવાડીએ છે.

કદાચ મારી આ વાત વાચી બીજા કોઈને તો કશો ફરક નહિ પડે પણ વાંદરાઓ જરૂર વિરોધ કરશે. કહેશે રામને રાવણ સામે યુદ્ધ કરી સીતાને પાછી મેળવવામાં અમે પોતાનું લોહી આપી દીધેલું. માટે અમારી તુલના ભારતની પ્રજા કે નેતા સાથે ના કરો….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


Scroll to Top