ભારત થી મહાભારત તરફ…….

દ્રશ્ય પહેલું…………….

દેવવ્રત: સારથી… તમે મહારાજ ના મિત્ર પણ છો અને સારથી પણ. મહારાજના દુખ અને ઉદાસીનું કારણ આપ જરૂર જાણતા હશો.

સારથી: કોઈ વિશેષ કારણ નથી યુવરાજ. અને મને કશી જાણ નથી.

દેવવ્રત: એવું તો બનીજ ના શકે. મહારાજ ઉદાસ છે અને આપને કશી જાણ ના હોય તે શક્ય જ નથી. ઝડપથી સાચું બોલો..

સારથી: હું મહારાજ સાથે ગુપ્તતા માટે વચનબદ્ધ છું. વિશ્વાસઘાત ના કરી શકું.

દેવવ્રત: તમને રાજા વહાલો છે કે રાજ્ય? તમે રાજભક્ત છો કે રાષ્ટ્રભક્ત? મહારાજ પોતાની ઉદાસી અને દુખ ના લીધે જયારે કશું કરી નથી રહ્યા, રાજ કાજ માં પૂરતું ધ્યાન આપી નથી રહ્યા ત્યારે જો તેમની નિષ્ક્રિયતાથી રાષ્ટ્રનું કોઈ અહિત થશે તો એ માટે શું તમે જવાબદારી સ્વીકારશો? શું તમે તમારી વાંઝણી પ્રમાણિકતા માટે થઇ આ ભારતવર્ષના હિતને દાવ પર લગાવી રહ્યા છો?

દ્રશ્ય બીજું……………….

દેવવ્રત: મારા પિતા તમારી પુત્રીને પ્રેમ કરે છે અને તેના વિરહમાં અત્યંત દુખી છે.

દાશરાજ: હું મારી પુત્રીના વિવાહ તમારા પિતા સાથે કરવી તો ચોક્કસ આપું. પરંતુ મારી એક શરત છે. હસ્તિનાપુરનું રાજ્ય મારી પુત્રીના સંતાનોને મળે.

દેવવ્રત: ભલે હું યુવરાજ રહ્યો, ભલે ન્યાય અને નીતિરીતી જોતા રાજ્ય મને મળવું જોઈએ પણ હું વચન આપું છું કે હસ્તીનાપુર ના સિહાસન પર આપની પુત્રીના સંતાનો જ રાજ્ય કરશે. હું નહિ. કે મારા સંતાનો પણ નહિ. મારા સંતાનો ભવિષ્યમાં આપની પુત્રી થકી થયેલા વંશવેલા ને પરેશાન ના કરે એ માટે હું આજીવન કુંવારો રહીશ, લગ્ન નહિ કરું, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ. હસ્તિનાપુરના સિંહાસન અને તેનાપર બેસનારનું રક્ષણ કરીશ.

દ્રશ્ય ત્રીજું……………

બે સગા ભાઈઓ પાંડુ અને ધ્રુતરાષ્ટ્રના સંતાનો વચ્ચે સંપત્તિ બબતી ઝગડો થાય છે. ધ્રુતરાષ્ટ્રના સંતાનો એટલે કે કૌરવોને સમગ્ર રાજ્ય પર અબાધિત અધિકાર જોઈએ છે. એના માટે હત્યાઓ, અપહરણ, જાહેરમાં સ્ત્રીઓના વસ્ત્રહરણ, જુગાર, દારૂ, ચોરીથી માંડીને એ તમામ અનૈતિક પ્રયત્નો એ ત્રેતાયુગમાં આચરવામાં આવે છે જેના માટે આજે લોકો “કલિયુગ” ને જવાબદાર ઠેરવે છે.

અને દેવવ્રત?

એ દેવવ્રત હવે દાદા ભીષ્મ થઇ ગયા છે. પરશુરામ અને બૃહસ્પતિના શિષ્ય, પરશુરામ ને હરાવનાર, તમામ શસ્ત્રોના જ્ઞાતા, મહાવીર, પોતાના બાણો થી ગંગાના ધસમસતા પ્રવાહને રોકી દેનાર, શત્રુઓની આખે આખી સેનાઓને એકલે હાથે મ્હાત આપનાર એ દેવવ્રત એટલેકે દાદા ભીષ્મ આ બધું ચુપ ચાપ જોયા કરે છે અને છેવટે કૌરવો માટે મહાભારતના યુદ્ધમાં લડે પણ છે. આ એજ દેવવ્રત છે કે જે ઉપર પહેલા પ્રસંગમાં રાષ્ટ્રભક્તિની વ્યાખ્યા આપી વ્યક્તિ (પોતાના પિતા) કરતા પણ રાષ્ટ્રને વધુ મહત્વ આપે છે. પોતાના એક વચનના પગલે પોતાની તો આખી જીંદગીના સત્કર્મો, જ્ઞાન, વિજ્ઞાન અને શુરવીરતાને બટ્ટો લગાડી જ દીધો સાથે સાથે આ ભારતની ભૂમિ પર મહાભારતનું યુદ્ધ પણ કદાચ તેમના આ મૌનને લીધે થઇ ગયું. બાકી નીતિ, રાજનીતિ, શુરવીરતા કે બીજા કોઈ પણ પાસામાં હું ભીષ્મને કૃષ્ણ કરતા ઓછા નથી આંકતો.

જયારે સંસ્થા, સમાજ કે રાષ્ટ્ર કરતા વ્યક્તિનું મૂલ્ય વધી જાય છે, જયારે સમૂહના હિતના બદલે વ્યક્તિના સ્વાર્થને જોવામાં આવે છે ત્યારે મહાભારત અવશ્ય થાય છે.

દેવવ્રતે વચન આપતી વખતે તો લાંબા ગળાનું રાષ્ટ્રહિત ધ્યાને ન જ લીધું પણ પછી પણ પોતાના વચનની આડમાં પોતેજ કરેલી વ્યાખ્યાને ભુંસાતા રહ્યા. દેવવ્રતના વચન પછી તેમના પિતા અને હસ્તિનાપુરના રાજા શાન્તનુંના વિવાહ સત્યવતી સાથે થયા. તેનાથી વિચિત્રવિર્ય નામે પુત્ર થયો, તેની પત્નીઓના વેદ વ્યાસ સાથેના નીયોગથી ધ્રુતરાષ્ટ્ર અને પાંડુ પુત્રો થયા જેમના સંતાનો પાંડવો અને કૌરવો કહેવાણા.

બધું જ સમજતા, બધી જ ક્ષમતા ધરાવતા પણ સમાજ કે રાષ્ટ્ર માટે કશું ના કરતા ઘણા ભીષ્મ પિતામહો છે આ ભારતમાં. હે આ ભારતના ભીષ્મપિતામહો……. જુઓ તમારી આંખ સામે આ શું થઇ રહ્યું છે.. આ દેશ લુટાઈ રહ્યો છે, રોકો… રોકો આને. તોડો તમારું મૌન, કાઢી નાખો તમારો ભય, સળગાવીદો તમારી નિષ્ક્રિયતા, અને દરિયામાં ડૂબાડી તમારી વાંઝણી નીતિમત્તા. નહીતર હવેના મહાભારતમાં આ ભારત કદાચ નહિ બચે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


Scroll to Top