ભૂલે હમ જી જાન સે…

માસ્ટર’દા સૂર્યસેન.

ભારતીય ક્રાંતિનો એક અનોખો ચહેરો, આઝાદીની લડાઈનું એક જ્વલંત પ્રકરણ અને શહાદતનો એક અપૂર્વ કિસ્સો. આપણી પાસે જેની એકપણ સ્પષ્ટ તસવીર નથી, જેના એકપણ દસ્તાવેજી પુરાવા નથી અને એ શહાદતની સાખ પૂરે તેવી એકેય એંધાણી કે સ્મૃતિય નથી એ માસ્ટર’દા સૂર્યસેન અને તેમની પરાક્રમકથા સાત દાયકા પછી ફરી તાજી થઈ રહી છે થેન્ક્સ ટુ આશુતોષ અને થેન્ક્સ ટુ ખેલેં હમ જી-જાન સે. કોણ હતો આ સરફિરો? કોણ હતો આ આંખોમાં ક્રાંતિનો સુરમો આંજીને વતનની આઝાદી કાજે ખપી ગયેલો શિક્ષક?

બંગાળના (આજના બાંગ્લાદેશના) ચિત્તાગોંગ જિલ્લાના નોઆપર નામના નાનકડા ગામમાં જન્મેલો એ એક ખેડૂતનો દીકરો. બાળપણથી જ નેતૃત્વના ગુણો ધરાવતા સૂર્યાના તેજતર્રાર દિમાગમાં પહેલો ભડકો થયો શાળાના ઇન્સ્પેક્શન ટાણે. અંગ્રેજ અધિકારીના આગમનનો ખોફ તેણે શિક્ષકોના ચહેરા પર જોયો પણ હદ તો ત્યાં થઈ જ્યારે અંગ્રેજ અધિકારીએ શાળાના આચાર્ય પાસે પોતાની ઘોડાગાડીની બેઠક સાફ કરાવી. છઠ્ઠા ધોરણમાં ભણતા સૂર્યાને ઝાળ લાગી ગઈ. અમે જેનો પરમ આદર કરીએ છીએ, જેમની પાસેથી શિક્ષણ મેળવીએ છીએ એ શિક્ષકની આવી લાચારી? વતનની ગુલામી અને પરદેશી શાસનની ધૂંસરીના તમામ અર્થ સમજી ચૂકેલા સૂર્યાએ એ જ ઘડીએ હિંસક ક્રાંતિની વૈચારિક વાટ પકડી અને એ વિચારોને ધાર મળી બહેરામપુરના કોલેજ અભ્યાસ દરમિયાન. એ સમય હતો ૧૯૨૦ આસપાસનો. દેશભરમાં ગાંધીજીના મવાળ વિચારોનું જોર પ્રસરી રહ્યું હતું પરંતુ બંગાળ જેવા સંવેદનશીલ પ્રાંતમાં આઝાદી માટેના ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી જેવા લવરમૂછિયા તરુણોનાં બલિદાનોનો હજુય વ્યાપક પ્રભાવ હતો. અનુશીલન સમિતિના નામે ક્રાંતિની ધધકતી જ્વાળાઓ સમા યુવાનો એકઠા થતા જતા, અણઘડ છતાં પ્રભાવક, જીવલેણ છતાં વ્યર્થ પ્રયાસો થતાં રહેતા. અનેક લીલાં માથાંઓ વધેરાઈ જતાં અને છતાં ગુલામીના ગાઢ ઘેનમાં જંપી ગયેલા દેશને હાણ વળતી ન હતી.

ગ્રેજ્યુએટ થયા પછી વતનમાં શિક્ષકની નોકરી કરતાં સૂર્યસેનને હવે લોકો માસ્ટર’દાના વ્હાલભર્યા સંબોધનથી ઓળખતા હતા. માસ્ટરદા’એ વિદ્યાર્થીઓની રગેરગમાં આઝાદીનું તોફાન પ્રસરાવ્યું અને ‘યુગાંતર’ નામે ખુફિયા સંગઠન રચ્યું. શક્તિમાન અંગ્રેજો સામે બાથ ભીડવાનું જરાય સહેલું નથી એવું જાણતા સૂર્યસેન પોતાના નાનકડા પ્રયાસોની વ્યર્થતા વિશે જરાય કેફમાં ન હતા. તેમને ખબર જ હતી કે આટલા અમથા પ્રયત્નોથી દેશ આઝાદ થાય એ વાતમાં માલ નથી. પણ કોઈકે તો પહેલ કરવી પડશે ને? અને તેમણે એ પહેલ કરી. સૌપ્રથમ આસામ રેલવેની તિજોરી લૂંટી. અંગ્રેજોને કશી ગંધ આવે એ પહેલાં તિજોરીની લૂંટમાંથી મેળવેલા દલ્લાનો ઉપયોગ કરીને તેમણે સંગઠન મજબૂત બનાવ્યું અને લડતને વધુમાં વધુ લાંબા સમય સુધી ખેંચી શકાય તે માટે છુપાં આશ્રયસ્થાનો ઊભાં કર્યાં. હવે ખરી લડાઈ માટે શસ્ત્રોની જરૂર હતી. તેમણે ચિત્તાગોંગ જિલ્લાની વિવિધ શાળાઓના ૬૫ વિદ્યાર્થીઓની મદદથી અંગ્રેજ સરકારના શસ્ત્રાગારોની લૂંટ ચલાવી. તેમનું આયોજન એવું જડબેસલાક અને શિસ્તબદ્ધ હતું કે એક જ દિવસમાં ૩૫૨ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં તેમણે તહેલકો મચાવી દીધો. ૩૫ વિદ્યાર્થીઓ સાથે તેમણે સવારના પહોરમાં શસ્ત્રાગાર પર હલ્લો બોલાવ્યો અને ૨૮૯ રાઈફલ, કારતૂસની ૧૮ પેટી, હેન્ડગ્રેનેડનાં ૩૧ ખોખાં ઉઠાવી લીધાં. બરાબર બે જ કલાક પછી ચિત્તાગોંગ જિલ્લાની મુખ્ય તારઓફિસ અને ટપાલકચેરી પર પણ તેમનો કબજો હતો અને બપોરે બે વાગ્યે તો આખી પલટણે ચિત્તાગોંગના ચોકમાં એકઠાં થઈને આખા જિલ્લાને આઝાદ જાહેર કરી દીધો, લશ્કરી પરેડ કરી, તિરંગો ધ્વજ ફરકાવ્યો અને માસ્ટર સૂર્યસેને આઝાદ દેશના વડા તરીકે સલામી પણ ઝીલી.

પછીની સ્થિતિનું અનુમાન કરવું જરાય મુશ્કેલ નથી. માસ્ટર’દા માટેય ન્હોતું. બંગાળ પ્રાંતની આખી ફોજ અંગ્રેજોએ ચિત્તાગોંગમાં ખડકી દીધા પછીય માસ્ટર’દા અને તેમની વાનરસેનાએ દોઢ વર્ષ સુધી લૂંટેલી તિજોરીના દલ્લા અને લૂંટેલા હથિયારો વડે અંગ્રેજોને તોબા પોકારાવી દીધી હતી. ત્રાસી ગયેલા અંગ્રેજોએ તેમના માટે એ જમાનામાં ૫૦,૦૦૦ પાઉન્ડનું ઈનામ જાહેર કરવું પડયું હતું. છેવટે દરેક કિસ્સામાં બન્યું છે તેમ, પૈસાની લાલચમાં આવીને માસ્ટર’દાના એક અંગત સાથી નેત્રાસેને ઈનામની લાલચમાં દગો કરીને માસ્ટર’દાને પકડાવી દીધા. અંગ્રેજોએ આઠ મહિના સુધી તેમને કેદ રાખીને એવો ત્રાસ ગુજાર્યો કે લોખંડના હથોડા મારીને તેમના એક એક દાંત પાડી દીધા. તેમના હાથ-પગની આંગળીઓના એક એક નખ ખેંચી લીધા અને કોણી, પગના સાંધાઓ તોડી નાખીને અધમૂઈ હાલતમાં તેમને ફાંસીએ ચડાવ્યા.

ફાંસીએ ચડતા પૂર્વે સૂર્યસેને એક બંગાળી સંત્રીની મદદથી સાથીદારોને એક પત્રમાં લખ્યું હતું, ‘મારું મૃત્યુ નજીક છે. મને તેનો કોઈ શોક નથી. મારી હાલત માટે મને સ્હેજપણ દર્દ નથી, કારણ કે આ બધું મેં ધાર્યું જ હતું. પણ આઝાદીનાં સમણાં માટે એ જરૂરી હતું. હવે મારા ગયા પછી મારું એ સપનું તમારું સૌનું છે. મારા દોસ્તો, એ સપનામાં વિશ્વાસ રાખજો અને તાકાતવાન બનજો. આજની આપણી શહાદત આવતીકાલની પેઢીના ભાવવિશ્વમાં ચિરસ્મૃતિ બનીને અંકાઈ જશે.’

આ ખુદ્દાર, સ્વપ્નશીલ અને ભાવનાશીલ શિક્ષકની સ્મૃતિમાં આપણે શું કર્યું તેનો હિસાબ બહુ ઉખેળવા જેવો નથી. ૧૯૩૪માં મરણતોલ હાલતમાં ફાંસીના માંચડે લટકાવી દેવાયેલા માસ્ટર સૂર્યસેનની સ્મૃતિમાં આપણે એક ટપાલટિકિટ બહાર પાડી છે, એ પણ છેક ૧૯૭૭માં. ઓહ યસ, હવે ૨૦૧૦માં આપણે તેમના વિશે એક ફિલ્મ પણ બનાવી રહ્યા છીએ અને તેમાં જો એકાદ ગરમાગરમ આઈટમ સોન્ગ હશે તો જોવા પણ જઈશું, રાઈટ?

નોંધ: આ સંપૂર્ણ પોસ્ટ શ્રી ધૈવત ત્રિવેદીએ લખેલ લેખનો એક ભાગ છે. આ વાંચ્યા પછી રહેવાયું નહિ તેથી તેમની સહમતી સમજી આભાર સહ અહી રજુ કરું છું. વાંચ્યા પછી મનમાં અને કદાચ આંખોમાં પણ લાગણીઓ ઉભરાઇ ઉઠે તો આપના અભિપ્રાય આપતા ખચકાવું નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


Scroll to Top