હવા, પાણી અને ખોરાક. આદિ કાળથી આ ત્રણને માણસની મૂળભૂત જરૂરિયાતો કહેવામાં આવી છે. એવી જરૂરિયાતો કે જેના વગર માણસને પોતાનું અસ્તિત્વ ટકાવવામાં તકલીફ પડે. અસ્તિત્વની આ લડાઈમાં માણસજાત ઘણી આગળ વધતી ગઈ. નિતનવા સંશોધન થતા રહ્યા. સમય ચાલતો ગયો, બદલાતો રહ્યો. બદલાતા સમય સાથે માણસની આ ત્રણ જરૂરિયાતો ની પાછળ ચોથી કે પાંચમી જરૂરિયાતો ઉમેરાતી ગઈ. અને મૂળભૂત જરૂરિયાતો તરીકે ઓળખાતી ગઈ. ક્યારેક રહેઠાણને મૂળભૂત જરૂરિયાત કહેવામાં આવી તો ક્યારેક રોજગારને. ક્યારેક તો વળી સંગીત અને તેને સંબંધિત યંત્રો જરૂરિયાત ગણાવા લાગ્યા તો એવો પણ સમય આવ્યો કે ફેસબુક અને આઈ ફોન ને માણસ ની મૂળભૂત જરૂરિયાતો કહેવામાં આવી. જોકે તેના લીધે બે વસ્તુ બની હોય, કાતો હવે લોકોની મૂળભૂત જરૂરિયાતો (જીવન ટકાવવા માટેની જરૂરિયાતો) બદલાઈ રહી છે અથવાતો મૂળભૂત જરૂરિયાતની વ્યાખ્યા જ બદલાઈ રહી છે.
જે હોય તે. પણ માણસ માટે ચોથી મૂળભૂત જરૂરિયાત હમેશા એક જ રહી છે અને તે સનાતન છે. આ જરૂરિયાત છે લાગણીઓની, કુટુંબની, સંબંધોની અને ભાવનાઓની.
હમણા ઘરમાં ડીવીડી પર હમ આપકે હૈ કૌન ચાલતું હતું. અડધેથી હું આ મુવી માં પહોચ્યો. પણ એવો પ્રશ્ન થયો. શું હતું આ મુવીમાં કે જેણે વર્ષો સુધી સિનેમાહોલમાં અને હવે વર્ષો થી કોઈ પણ પેઢીને ઘરના હોલમાં હસાવે છે, રડાવે છે, સંતાપ અને સંતોષ બંને આપે છે?
કદાચ એ એટલા માટે કે માણસની ચોથી મૂળભૂત જરૂરિયાત લાગણી અને હુફ ની છે. ખુશીઓ માણસને ગમે છે. જે આગળ વધવામાં અવરોધે નહિ એવું સંબંધોનું બંધન માણસને ગમે છે. એક પોતાનું પોતાની પાસે હોય તેવું એ દિલથી ઈચ્છે છે અને એક પોતાના હૃદયની નજીકનું ચાલ્યું જાય તો તેને પણ સાથે ચાલી જવાની ઈચ્છા થાય છે. આ માણસની મૂળભૂત પ્રકૃતિ છે. મૂળભૂત જરૂરિયાત છે. અરે આજે ફેસબુક હોય કે ગુગલ પ્લસ એ કરે છે શું? માણસની લાગણીઓ અને હુંફની તરસને છીપાવવાનું મૃગજળ દેખાડે છે. કરોડો કરોડો એની પાછળ દોડી રહ્યા છે. કોઈ મને સંભાળો….. કોઈ મને પ્રેમ કરો…. કોઈને હું ગમું અને કોઈ મને પણ ગમે…. મૃગજળ પાછળની આ દોડ ચાલતી જ રહે છે. કેટલાકની પૂરી થાય છે. પણ એક બહુ મોટો વર્ગ એ ભૂલી જાય છે કે જેના માટે એ ઈન્ટરનેટ ફેંદી રહ્યો છે એ લાગણી અને હુફનો પટારો તો એની બાજુ માં એની રાહ જોઈ જોઈ ને સુઈ ગઈ છે.
હવા પાણી અને ખોરાક માણસની ત્રણ મૂળભૂત જરૂરિયાતો છે. મૂળભૂત જરૂરિયાતો ક્યારેય બદલાતી નથી. અને માટેજ ચોથી મૂળભૂત જરૂરિયાત લાગણીની છે.