મારી ત્રણ મહિનાની નાની દીકરીને ચમચીથી કડવાટ પીવડાવવામાં આવે છે. દરેક બાળકની જેમ તેને પણ કડવાટ ભાવતી નથી. માટે હવે એવું થઇ ગયું છે કે ચમચી એના હોઠ સુધી પહોચે એટલે મોઢું બગાડે છે. ભલે પછી ચમચીમાં કઈ પણ હોય. તેણે માની લીધું છેકે ચમચીમાં માત્ર કડવાટ જ હોય. અમને જોવાની બહુ મજા પડે છે.
પણ પછી એવો વિચાર આવ્યો કે આવું શા માટે થયું? આવું એટલા માટે થયું કે વ્યક્તિ ત્રણ મહિનાની હોય કે ૩૦ વર્ષની એ માન્યતા ઉપર જીવે છે. અને આ માન્યતા જ તેને હમેશા બાંધી રાખે છે. ભૂતકાળનો કોઈ સારો કે ખરાબ અનુભવ, ભલે પછી એ પોતાનો હોય કે બીજાનો, માણસ એના પરથી ભવિષ્યની માન્યતા બાંધી લે છે. અને એ મુજબ જીવે જાય છે. ક્યારેક તો અનુભવ વગર પણ માત્ર ડર ના લીધે જ માન્યતા બાંધી લે છે. માત્ર માન્યતા નહિ, પોતાની જાતને પણ બાંધી લે છે.
એક હાથી ના બચ્ચાને મહાવતે જન્મતા વેત એક દોરડાથી બાંધી દીધું. તાજું જન્મેલું બચ્ચું થોડો સમય તો એમનેમ પડ્યું રહ્યું. પછી ઉભા થવાની કોશિશ કરી, ચાલવાની કોશિશ કરી. થોડું ચાલ્યા પછી આગળ ના જવાયું. પગમાં બાંધેલું દોરડું આગળ નહોતું જવા દેતું. બચ્ચાએ ઘણી મહેનત કરી પણ દોરડું છૂટ્યું નહિ.બચ્ચું ફસડાઈ પડ્યું. બીજે દિવસે ફરી મહેનત કરી પણ પરિણામ ના મળ્યું. બચ્ચું નાનું અને અશક્ત હોવાને લીધે રોજ નિષ્ફળ પ્રયત્નો કરતુ રહ્યું અને એમ કરતા મોટું થતું રહ્યું. એક સમય એવો આવ્યો કે તેણે પ્રયાસ કરવાનો જ છોડી દીધો. દોરડાના બંધનને પોતાની નિયતિ અને જીવનની વાસ્તવિકતા સ્વીકારી લીધી. બચ્ચું હવે મોટો અલમસ્ત હાથી બની ગયો છે. વિશાળ… જાણે કાજળનો પહાડ…..ધરતી ધ્રુજાવતો, મહાકાય વૃક્ષનોને ઉખાડી દેવાની શક્તિ ધરાવતો એ ગજરાજ હજુ પેલા દોરડાના બંધન માં જીવે છે. અત્યારની એની શક્તિ મુજબ તો એવા પચાસ દોરોડા એક સાથે પણ તેને બાંધી રાખી શકે તેમ નથી, પણ શું થાય… માન્યતાના બંધનને તોડી શકે એમ નથી.
માતા-પિતા, ધર્મ, શિક્ષક અને શિક્ષણ પ્રથાની ફરજ, કાર્ય, કર્તવ્ય છે કે તે વ્યક્તિને નબળી માનસિકતાઓ અને માન્યતાઓ માંથી મુક્ત થવાની પ્રેરણા આપે. ડર ને દુર કરે, વ્યક્તિ ને અભયત્વ આપે. પણ અફસોસ કે આ દરેકે જ માણસને માન્યતાઓના બંધનમાં રાખવાનું કાર્ય કર્યું છે. કોઈને કોઈ રીતે માણસને ડરપોક બનાવે છે. ક્યારેક સભ્યતાના નામે, ક્યારેક ધર્મ ના નામે, ક્યારેક ખોટી કેળવણીથી કે કોઈ પણ રીતે. નાના બચ્ચાને આ ક્યારેય ગજરાજ બનવાજ નથી દેતા.
હનુમાન જેવા ભાગ્યશાળી બહુ ઓછા હોય છે જેને જાંબુવાન જેવા માર્ગદર્શક મળે છે. જે ખરેખર વ્યક્તિની ક્ષમતાને ઢંઢોળી તેને ઉડવા માટે પ્રોત્સાહિત કરે છે, માન્યતાનો ના બંધનથી મુક્ત કરે છે.
દરેક બાળક એટલું શક્તિશાળી છે કે પહાડને ઉચકીને લઇ આવે, સમુદ્ર પર પુલ બાંધી દે, જગત માટે ઉપયોગી કશુક સર્જન કરે. બસ તેને એટલું કહેવું પડે…. “અપને બલ કા કછુ ધ્યાન કરો….ઓ મહાવીર હનુમાન”