ભાવનગર અને તેના જેવા બીજા હજારો લાખો નાના શહેરો અને ગામડાઓનો અત્યારે બ્રેઈન ડ્રેઈન નો સમય ચાલી રહ્યો છે. જે આજથી દસેક વર્ષ પહેલા ભારત માટે ચાલતો હતો. સારું બુધ્ધિધન તક અને સફળતા ની તલાશ માં ભારતમાંથી અમેરિકા ભણી દોટ મુકતું. દેશને નવી દિશા તરફ લઇ જઈ શકે તેવા તેજસ્વી લોકો ભારતમાં રહેતા નહિ અને દેશની દશા એમ ને એમ રહી લાંબા સમય સુધી. પણ બહુ થોડા મુઠ્ઠીભર લોકો જે કોઈને કોઈ કારણસર ભારતમાં રહ્યા તેમની અથાગ મહેનત થી ભારત ધીરે ધીરે પોતાનું નામ વૈશ્વિક ફલક પર વધુ અને વધુ તેજસ્વી બનાવતું ગયું અને બ્રેઈન ડ્રેઈન ની પ્રક્રિયા ધીરે ધીરે અટકી. અને સાથે બ્રેઈન ગેઇન પણ શરુ થયું. આજે જે ભારતમાં થોડી ઘણી ચમક દેખાય છે તે આના લીધે.
પણ ખામી એ રહી કે વિકાસ સંતુલિત ના થઇ શક્યો. ભારતના ગણ્યા ગાઠયા ૫ ૧૦ કે ૨૦ શહેરો ભારતની મોટા ભાગની વસ્તી, મોટા ભાગનું બુદ્ધિધન અને મોટા ભાગની સંપત્તિ ધરાવે છે. ગામડાઓ વધુ ગરીબ બની રહ્યા છે અથવા “ટીંબો” થઇ રહ્યા છે. શહેરો માં માણસો કીડીયારાની જેમ ઉભરાય છે. જેની સીધી અસર લોકોના જીવન ધોરણ પર પડે છે. આસમાન ને આંબતા મિલકતોના ભાવ ગંધાતી નાની રૂમ માં જીવવા મજબુર કરે છે અને બે ટંક નું પૂરું કરવા માટે ઘરના દરેક સભ્યો ૧૨ કલાક ની મજુરી કરતા હોવાથી કુટુંબ ની લાગણીઓ અને બાળકોના ઉછેર પર વિપરીત અસર પાડે છે. ૧, ૨ કે ૩ કરોડ ની વસ્તી ધરાવતા શહેરો ને પાણી કઈ રીતે આપવું તે મહા મુસીબત છે અને રોડ પરતો ચાલવા જગ્યા જ નથી. બેકારી, મોંઘવારી, ભાષાકીય અને સાંકૃતિક ભેદભાવો (રાજકારણે ઉભા કરેલા), કુટુંબથી દુર રહેતા યુવાનો અને જીવન ટકાવવાની માથા પર લટકતી તલવાર, માનસીક રોગો અને તેનાથી પણ વધુ ખતરનાક અલગ અલગ પ્રકારની ગુનાખોરી ને જન્મ આપી ચુક્યા છે.
આ બધી સમસ્યાઓને નિવારવા માટે સૌથી સારો રસ્તો છે સ્થાનિક રોજગારી અને સ્થાનિક તકો. વધુ એક “રીવર્સ બ્રેઈન ડ્રેઈનની” જરૂર છે.