વિદ્યા નામ નરસ્ય રુપમધીકં પ્રચ્છન્નગુપ્તમ ધનં |
વિદ્યા ભોગકરી યશઃસુખકરી વિદ્યા ગુરૂણામ ગુરૂ: ||
વિદ્યા બન્ધુજનો વિદેશગમને વિદ્યા પરા દેવતા |
વિદ્યા રાજસુ પૂજયતે ન હિ ધનં વિદ્યાવિહીન: પશુ: ||
ખરેખર વિદ્યા જ માણસનું શ્રેષ્ઠ રૂપ છે, અતિ ગુપ્ત ધન છે, વિદ્યા ભોગ, યશ અને સુખ આપનારી છે, વિદ્યા ગુરુઓની પણ ગુરૂ છે. પરદેશગમનમાં વિદ્યાજ સગુંવહાલું છે. વિદ્યા શ્રેષ્ઠ દેવતા છે. વિદ્યા રાજાઓમાં પુજાય છે. નહિ કે ધન. માટે વિદ્યા વિનાનો માણસ પશુ છે.
નીતિશતક માંથી આ શ્લોક લેવામાં આવ્યો છે જે વિદ્યા વિષે ઘણું બધું કહી જાય છે. અથવાતો કહો કે બધુજ કહી જાય છે. સીધી રીતે જુઓ તો વિદ્યા મેળવવાના ફાયદાઓ આ શ્લોકમાં વર્ણવેલા છે. પણ જો બીજી રીતે જુઓ તો વિદ્યા ન હોવાથી શું થાય એ પણ સમજી શકાય છે.
તો વળી એક સાવ જુદી જ રીતે જુઓ તો વિદ્યા કોને કહેવાય તે પણ આ શ્લોક માં સમજવા મળે છે.
માણસને જે શ્રેષ્ઠ સ્વરૂપમાં રજુ કરે, યશ ભોગ અને સુખ અપાવે, ગુરુઓ વચ્ચે પણ માન આપાવે, વિદેશોમાં મદદ કરે, અને જે ગુણોથી રાજાની વચ્ચે પણે સામાન્ય માણસ પુજાય તેનું નામ વિદ્યા.
અને જે આવી વિદ્યા આપે તેનું નામ વિદ્યાલય બાકી ને બધી નીશાળ….
જે આવી વિદ્યા મેળવવા મહેનત કરે છે તે વિદ્યાર્થી બાકી બધા પરીક્ષાર્થી….
અને અફસોસ આજે પણ જેની તોલે કોઈ ના આવે એવા “વિશ્વ” વિદ્યાલયોના દેશ ભારત માં આજે માત્ર નિશાળો અને પરીક્ષાર્થીઓ જ બચ્યા છે.
ચાલો મહેનત કરીએ….. આપણે સહુ જીવતા જાગત વિદ્યાલયો અને વિદ્યાર્થીઓ બનીએ.