ક્યારેય સાંભળ્યું છે કે ચોર ચોરી કરવામાં મોડો પડ્યો? ક્યારેય સાંભળ્યું કે લુટારાઓ ધાડ પાડવા ગયા અને તિજોરી તોડવાનો હથોડો ઘરે ભૂલી ગયા? લાંચ લેતો અધિકારી પકડાયાના કિસ્સા કેટલા? ભ્રષ્ટાચારી પ્રધાનના ભ્રષ્ટાચાર ખુલ્લા પડ્યા એવા કિસ્સા કેટલા? આવું બહુ જવલ્લેજ જોવા મળશે.
અને બીજી તરફ, પોલીસ હમેશા પેટ્રોલિંગમાં મોડી પહોચે છે. કેમ?
સજ્જનોને નિષ્ક્રિયતા અને દુર્જનોની સક્રિયતા. આજે આપણા સમાજ અને દેશ ની દુર્દશાનું આ પણ એક કારણ છે. અને કદાચ એક માત્ર પણ છે. જેને ખોટા કામો કરવા છે તેની પોતાના કામ પ્રત્યે કર્તવ્યપરાયણતા અને નિષ્ઠા અનુકરણીય અને ઉદાહરણીય છે. અને બીજી તરફ જેને ભગવાને કૈક સારું કરવાની સમજણ અને ક્ષમતા આપી છે તેમને કશું કહેવું નથી અને કરવું નથી.
દરેક માણસ અગ્નિ માંથી નીકળતા અંગારા જેવો હોય છે. આ અંગારા એટલેકે માણસ ત્રણ પ્રકૃતિના હોય છે.
કેટલાક અંગારા એવા હોય છે કે જે આગ માંથી નીકળી હવામાં પ્રવેશે એટલે એકાદા ઘાસના તણખલા પર કે વૃક્ષ પર પડે. જોત જોતામાં આખા જંગલને દાવાનળ માં ફેરવી નાખે. આખા જંગલને પોતાના પરિઘમાં લઇ લે અને પોતાનું ધાર્યું કરાવે.
કેટલાક અંગારા ઉડીને જમીન પર પડે. ના તે ઓલવાય ના તે કઈ બીજું કઈ કરી શકે, બસ થોડી વાર ગરમ રહે, આજુ બાજુની જમીન ને થોડી ગરમી મળે અને ઠરી જાય.
ત્રીજા પ્રકારના અંગારા ઉડીને પાણી માં પડે. પડ્યા ભેગા ખતમ.
આપણા સમાજના તમામ સજ્જનો આ ત્રીજા પ્રકારના અંગારા છે. તેમને બધી ભાન પડે છે સારા નરસાની પણ ઠરેલા છે. કશું કરવું નથી. કેટલાક માર્યાદિત સજ્જનો બીજા પ્રકારના છે જે બહુ બહુ તો પોતાના કુટુંબને કૈક ક્યારેક બે સારી વાતો સમજાવી શકે છે.
પણ બહુ ઓછા એવા નરવીરો છે જે પહેલા પ્રકારના અંગારા છે. ક્યારેય નિષ્ક્રિય નથી રહેતા અને દાવાનળની જેમ બધે ફેલાઈ તમામને પોતાના પાઠ ભણાવે છે અને ગંદકીને સાફ કરીને જ રહે છે.
ચાલો આવા અંગારા બનીએ…..