ઉપર બતાવેલા લીમડાની કિંમત રૂપિયા ૧૨ કરોડ પુરા આંકી શકાય. “એક બંગલા બને ન્યારા….” એવું એક જુનું ગીત છે. પણ લોકોને સોના સિવાય બીજી કોઈ જૂની વસ્તુમાં રસ નથી. એટલેજ બંગલા વેચી ફ્લેટમાં રહેવાની ફેશન છે. અને જોકે એ જરૂરિયાત પણ છે. લગભગ ૭ અબજ લોકોને સમાવવા આ ધરતી ટુંકી પડે છે એટલે હવે આકાશ માં જ રસ્તો કરવો પડે. શહેરોમાં પોતાના જુના ફળિયા વાળા મકાન બિલ્ડરને વેચી મોટી રકમ અને રહેવા માટે “પેન્ટહાઉસ” લઇ લેવાનો બહુ ક્રેઝ છે. એનાજ ભાગ રૂપે હમણા ભાવનગરમાં કોઈએ પોતાનું જુનું મકાન વેચી દીધું છે. પ્લોટ કઈ ખાસ મોટો નથી. પણ તેજીના લીધે ૧૨ કરોડ રૂપિયા ઉપજ્યા છે. પ્લોટની બરોબર વચ્ચે ઊગેલો આ લીમડો લગભગ આખા પ્લોટ ને છાયડો આપતો. મકાન તો પડી ગયું છે. એ મકાનને વર્ષો સુધી આ લીમડાએ છાયા આપી છે. પણ મકાન જ નથી તો લીમડાની શું જરૂર? કદાચ અડધી સદી થી પણ વધારે સમયની તપસ્યા પછી આ ઘેઘુર વૃક્ષ બની રહ્યું હશે. દિવસ માં ૩-૪ વખત હું આ જગ્યાએ થી નીકળું છું. પણ દર વખતે ત્યાં પહોચતા પેલા મન માં વિચાર આવી જાય છે. “લીમડો હશે કે નહિ?” કુદરતની સદીઓની મહેનત નો સર્વનાશ કરતા માણસને વળી કેટલી વાર? આ વૃક્ષની ભૂલ એટલીજ કે તે ૧૨ કરોડ નો છે…….