ખબર નહિ આ દેશ માં મુરલી પેટકર જેવા કેટ કેટલા રત્નો હશે જેને આપણે જાણતાજ નથી.
સરકારને હાર્દિક અભિનંદન, ૨૦૧૮માં એમને શોધીને પદ્મશ્રીથી સન્માનિત કરવા બદલ.
અને ભારતના આવા ખરેખરા રત્નો વિશે જ્યારે પણ આટલી સુંદર ફિલ્મ બને ત્યારે પૈસા ખર્ચીને જોવાની મારી તો પૂરી ગેરંટી….
મારે કશુંકે કરવું છે એવું ઘણાને સમજાય છે. પણ મારે શું કરવું એ બહુ ઓછા લોકોને સમજાય છે.
પોતે શું કરવું છે એ જાણ્યા કે નક્કી કર્યા પછી માત્ર અને માત્ર એના પર ધ્યાન, સમય અને લાગણીઓ બધું જ આપીદે જીવનભરનું એ તો કોઈક વિરલાઓ જ કરી શકે છે. અને એમાંથી પણ સમય, સંજોગો, સાથીદારો અને મેન્ટર્સ બધા જ તમારી આજુબાજુ ગોઠવતા જાય અને તમને તમારા લક્ષ સુધી પહોંચાડી દે એ ઈશ્વરીય મદદ જેને મળી રહે એ બને છે ચેમ્પિયન. ચંદુ ચેમ્પિયન.
ચેમ્પિયન બનવાનો પહેલો તબક્કો છે મોટીવેશન. જે ઘણી જગ્યાએથી મળી રહે. પુસ્તકમાંથી, વ્યક્તિમાંથી, ઘટનામાંથી, વાર્તામાંથી, કે પછી આવી પડેલ મુશ્કેલીઓમાંથી.
એ પછીનો તબક્કો શું કરવું એ જાણવું. અને એ કઈ રીતે જાણવું? આ સૃષ્ટિની એવી કઈ સમસ્યા છે જે તમારે સોલ્વ કરવી છે? એવું શું છે જે બનાવવું જ છે કે મેળવવું જ છે? પોતાની ટેલેન્ટ સાથે મેળ બેસાડીને એ શોધી કાઢવું અને જયારે મળી જાય કે નક્કી કરી લેવાય પછી એની પાછળ પૂરેપૂરી શક્તિ લગાડી દેવી. હા મગજ બંધ કરીને નહીં. બદલાતી પરિસ્થિતિ મુજબ અને લોકોના ફીડબેક મુજબ બદલાતા રહેવું પડે પણ મૂળ ના છોડવું.
ઓલમ્પિક ગોલ્ડ….
જો ઘરેથી નહીં તો સેનામાંથી
કુસ્તીમાંથી નહીં તો બોક્સિંગમાંથી
રેગ્યુલર નહીં પેરાલિમ્પિક્સ
માંથી બોક્સિંગમાંથી નહીં તો સ્વિમિંગમાંથી
પણ છેવટે ગોલ્ડ તો મેળવીને જ રહ્યા મુરલી પેટકર.
અને જેમ કૃષ્ણ કહે છે એમ, કામ કરતો જા, હાંક મારતો જા મદદ તૈયાર છે. સો ટકા ફોકસ સાથે આવેલા તક અને રિસોર્સ નો ઉપયોગ કરી કામ કરતા રહો. આગલા પડાવો એની જાતે જાતે ગોઠવાય જશે.