કહો તો વટકણ મધુ
કહો તો રત્નાકર ડારું
કહો તો જાવ પાતાળ શેષ વાસુકી સહારું
કહો તો જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું
કહો તો સબક દઈ સબ દૈતન કો મારું
હનુમંત કહે સુન રામ પ્રભુ મેં વાનર નિયતી કરું
આખી લંકા ઉખેડ રાવણ સમેત દક્ષણ સે ઉત્તર ધરું.
લંકાના રણ મેદાન માં ઈન્દ્રજીતના બાણ થી જયારે લક્ષમણ મૂર્છિત થાય છે ત્યારે રામ કહે છે “છેક હિમાલયમાં દ્રોણાચલ ઉપર સંજીવાની છે તે સૂર્યોદય પહેલા કોણ લાવી શકે? હવે મારો ભાઈ ક્યારેય જીવતો નહિ થાય.”
આ સવાલ ના જવાબમાં હનુમાન ઉપરની પ્રતિજ્ઞા લે છે. અને ઉપરાંત કહે છે. “કદાચ જો હું આવું એ પહેલા સુર્ય ઉગીજાય તો બ્રહ્માંડ માં જેટલા પણ સુર્ય છે તેને મારી મુઠીમાં લઇ બધાના ભૂકા કાઢી નાખીશ. અને સુર્ય ના ઉદય માટે ચંદ્ર એ અસ્ત થવું પડે. આજે મારી રજા વગર જો ચંદ્ર અસ્ત થાય તો ચંદ્રને નીચોવી નાખી તેનું અમૃત હું લક્ષ્મણ ને પાઈશ પણ તેને હું મારવા નહિ દઉં. માટે તમે ચિંતા ના કરો”
આજે હનુમાન જયંતી છે. હનુમાન એ વીરરસ અને ભક્તિ રસનું અદભુત મિશ્રણ છે. પરીક્ષામાં પાસ થવા માટે હનુમાનજી સામે માયકાંગલા ની જેમ ઉભા ઉભા હનુમાન ચાલીશાના પાઠ કરતા લોકોને હનુમાન ની તાકાત ક્યારેય નહિ સમજાય. જો ખરેખર હનુમાન ને સમજવવા હોય તો એક વખત મોરારીબાપુની રામ કથામાંથી સુંદરકાંડ સંભાળો. અથવા એનાથી પણ વિશેષ. ઈશ્વરદાન (અથવા ઈશરદાન) ગઢવી નામના ચારણી સાહિત્યકારનું “અન્જનીનો જાયો” એક વખત સંભાળો. ૬૨ મીનીટની તેમની આ સીડી બજારમાં મળે છે. ઈન્ટરનેટ પર પણ છે જ. વીરતા શું છે અને હનુમાન શું છે તે તેમાંથી જાણવા મળશે. વીરરસ અને ભક્તિ રસથી છલો છ્લ એવી આ કથામાં છંદ અને દુહાની અદભુત રમઝટ છે. એકવાર ધ્યાન દઈ ને સંભાળે તો કાયરના પણ રુંવાડા ઉભા થઇ જાય અને નબળા લોકોનું કદાચ બ્લડ પ્રેશેર વધી જાય.
મને લાગે છે ભારતમાં આજે રામની જરૂર નથી પણ જરૂર છે હનુમાન અને જટાયુની. રામાયણના આ બે પાત્રો પ્રત્યે મને અનહદ માન છે. પોતાની આંખ સામે કે પાતાની હાજરી માં કોઈ ખોટું કામ થતા આ બંને જોઈ ના શક્યા. બસ એટલેજ પોતાના જીવના જોખમે પણ અન્યાયનો સામનો કરવા તૈયાર થઇ ગયા. બાકી આમ જોઈએ તો લૌકિક રીતે તેમને રામ સાથે સ્નાન સુતકનો પણ સંબંધ નહોતો. ખાસ કરીને જટાયુને. તેમણે તો ક્યારેય રામ કે સીતાને જોયા પણ નહોતા. પણ મારી હાજરીમાં રાવણ એક સ્ત્રીનું આ રીતે અપહરણ કરી ના શકે તેમ વિચારી રાવણ ને રોકવા બનતા પ્રયાસો કર્યા અને મરણ ને શરણ થયા. આ જટાયુ વૃત્તિ ની આજે ભારતમાં બહુ તંગી છે. થોડા જટાયુ અને થોડા હનુમાનની જરૂર છે આ દેશને હવે.
ઈશરદાન ગઢવી ના અવાજ માં અંજની નો જાયો હનુમાન કથા સાંભળવી હોઈ તો ક્લિક કરો
http://gujnatak.blogspot.com/2010/06/blog-post_2501.html