માઓવાદ, નક્સલવાદ, આતંકવાદ, છેવટે તો આ બધું આપણું જ પાપ

નક્સલવાદીઓ અને અને આતંકવાદીઓએ જાણે ભારતની વસ્તી યેન કેન પ્રકારે ઘટાડવાનોનો નિશ્ચય કર્યો હોય તેમ રોજ ૧૦૦-૨૦૦ વ્યક્તિઓને કોઈને કોઈ રીતે મોતને ઘાટ ઉતારી દે છે. બોમ્બ બ્લાસ્ટ, વાહનો ઉડાડવા, રેલ્વે ના ટ્રેક તોડવા, છુરાબાજી, ગોળીબાર આ બધું જાણે આ લોકોની રાષ્ટ્રીય રમત હોય તેમ પુરા ઉત્સાહથી આ પ્રવૃત્તિઓ કરે છે. નિયમિત કરે છે. અને આપણે હમેશા પ્રેક્ષકો બની “તાળીઓ” પાડીએ છે. આ વાદીઓ નું શું કરવું, તેને મારવા કે નહિ, સજા કરાવી કે નહિ તે અલગ પ્રશ્ન છે. મારે જે આજે કહેવું છે તે બહુ જુદી વાત છે. મેં આજે અહી લખેલી વાત કેટલાક લોકોને નહિ ગમે. પરંતુ સાચું તો કહેવું પડે તેમ છે એટલે કહીશ.

ગુજરાતના રાજકોટ ની નજીક પાનેલી નામનું એક ગામ છે. આ પાનેલી ગામમાં આજથી લગભગ ૨૦૦-૨૫૦ વર્ષ પહેલા પુંજા વાલજી નામનો એક વૈષ્ણવ ધર્મ પાળતો માણસ પોતાના કુટુંબ સાથે રહેતો હતો. આખું કુટુંબ ચુસ્ત વૈષ્ણવ. તુલસી ક્યારે દીવો થાય ત્યાર પછી જ ઘરમાં ચૂલો સળગે. આર્થિક સ્થિતિ અતિશય તંગ. એટલે કેટલાયે દહાડા એવા હોય કે ઘરમાં ચૂલો ના સળગે પણ દીવો જરૂર થાય. આ ધર્મ પારાયણ પુંજા પોતાની દરિદ્રતાથી ત્રાસી ગયેલો. ઘરમાં ખાવાના વાંધા. છોકરા ભુખથી રડે અને ટળવળે. કોઈ કાયમી કામ ધંધો નહિ. નાતમાં કોઈ મદદ ના કરે. એક વખત આ પુંજા ને ક્યાંક થી એક કામ મળી આવ્યું. માછલા વેચવાનું. ઘડીક તો પૂંજાના રુંવાડા ઉભા થઇ ગયા. મરજાદી વૈષ્ણવ અને માછલાનું કામ? પણ વળી ઘરની પરિસ્થિતિ નજર સામે આવી. અને ક-મને આ કામ સ્વીકારી લીધું. પણ નાતમાં અને ગામ માં તરત ભડકો થયો. વૈષ્ણવ થઇને માછલા નું કામ કરેછો? છી….છી….છી…. પુંજાને નાત બાર મુકાયો. હવેલી માં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો. કોઈ બોલે નહિ, કોઈ અડે નહિ. નાના છોકરાવ સાથે કોઈ રમે નહિ. પુંજો ગીન્નાયો. જયારે મારા છોકરા ભૂખે મારતાતા ત્યારે આ નાત ક્યાં ગઈ હતી તે હવે મને નાતબાર મુકે છે? બરોબર એજ સમયે આગાખાન ભારત આવ્યા હતા અને આ વિસ્તારમાં જ હતા. પુંજો તેની પાસે પહોચી ગયો. અને બીજા પોતાની જેવા હજારો અછુતો અને નાત બાર મુકયેલાઓની સાથે મુસ્લિમ બની ગયો. ઘેર પાછા ફર્યા પછી વળી પસ્તાવો થયો. એટલે હવેલી માં ગયો. અને માછલાનો ધંધો મૂકી દેવાની અને ફરી વૈષ્ણવ ધર્મ સ્વીકારવાની વાત કરી. પણ પોતાને ઠાકોરજી થી પણ વધુ મહત્વના સમજતા ચોખલિયા મહારાજોએ ના પડી અને પુંજાને કાઢી મુક્યો. આ ધર્મ ના ઠેકેદારો ભૂલી ગયા કે ખુદ ભગવાને કેવા કેવા લોકોને પોતાના ગળે વળગાડીને તેમનો ઉદ્ધાર કરેલો. ખેર આ બાજુ હવે પુંજા માટે બીજો કોઈ રસ્તો હતો નહિ. જેમ તેમ ચાલે રાખ્યું. પણ પુંજો જીવ્યો ત્યાં સુધી ઘરમાં તુલસી ક્યારો પણ રહ્યો અને દીવો પણ થયો. મૂળ ધર્મ મુસ્લિમ. આ પુંજાનો એક છોકરો શરીરે એકદમ નબળા બંધનો હતો એટલે તેનું નામ ઝીણો પડ્યું હતું. આ ઝીણાના લગ્ન થયા અને કોઈ મુસ્લીમ સાથીદારની સાથે કરાંચી રહેવા જતો રહ્યો. આ ઝીણા ને એક છોકરો થયો તેનું નામ મહમદ પાડવામાં આવ્યું જેને આપણે મહમદઅલી જીણા તરીકે ઓળખીએ છેએ. તેમની બીજી ઓળખાણ પાકિસ્તાન ના સ્થાપક અને ભારતના કટ્ટર શત્રુની. તેમનું સ્થાપેલું પાકિસ્તાન રૂપી બગલ બચ્ચું આજે ભારતને દીવાસે કે રાત્રે ઊંઘવા નથી દેતું. એક તરછોડાયેલા અછૂત વૈષ્ણવના સંતાનનું સર્જન આજે આખા ભારતને લોહીના આંસુએ રડાવે છે. ભારત અને પાકિસ્તાન (બાંગ્લાદેશ પણ) માં રહેલા તમામ મુસ્લીમો માંથી કદાચ ૯૯% મુસ્લીમો બે રીતે મુસ્લિમ બન્યા છે.

૧) મુઘલ સામ્રાજ્યના અત્યાચારથી

૨) એનાથી પણ વધુ હિંદુ સમાજ ના ધાર્મિક અને અછુતવાદના અત્યાચારથી.

જે હિન્દુઓને મંદિરમાં પ્રવેશવાનો હક નહોતો, પ્રવેશે તો ઢોર માર મારીને મારી નાખવામાં આવતા તેઓ મસ્જીદ (અને ચર્ચ) ના શરણે ગયા. હિંદુ પૂજારીઓના અંધશ્રદ્ધાના ખોટા જાળમાં ફસાયેલા દરિદ્રોએ છેવટે મૌલવીઓનો હાથ પકડ્યો. પ્રેમના એક સ્પર્શથી આખી જીંદગી તડપતા રહેલા લાખો લાખો અછુતો મુસ્લિમ બની ગયા. કુવા કે નદી પરથી જેને પીવા માટે પાણી પણ ના ભરવા દેવાતું તે છેવટે જાય ક્યાં?

હવે એક જુદો કિસ્સો જુઓ. વાત ખાલી ૩૫ વર્ષ પહેલાની છે. બિમલ કિસાન નામના પશ્ચિમ બંગાળના ખેડૂતે અતિશય ખરાબ આર્થીક પરિસ્થિતિમાં પોતાનું ખેતર શાહુકાર ને ત્યાં ગીરવે મુકેલું. વ્યાજનું દુષ્ચક્ર એવું કે ક્યારેય બહાર ના નીકળી શકાય. આ વ્યજ્ખોરીનો સાચો નમુનો પણ જોઈલો……

શાહુકાર : જો પટેલ તમે અમારી પાસેથી ૫ મહિના પેલા ૧૭ રૂપિયા વ્યાજે લઇ ગયેલા બરાબર? હવે સત્તર પંચાં પંચાણું થાય. તમે ૫ મહિના પર ત્રણ દિવસ મોડા આવ્યા એટલે ૩ રૂપિયા બીજા. એટલે ૯૮ અને ભૂલ ચૂકના બે રુપયા એમ કુલ ૧૦૦ રૂપિયા આપો.

આ મજાક નથી આ દેશ ના લાખો અભણ ગરીબ ખેડૂતો અને આદિવાસીઓ આજે પણ ૨૦૧૦ માં પણ આજ રીતે જીવે છે.

હા, તો હવે આગળ. બિમલે જે શાહુકાર પાસે ખેતર ગીરવે મુકેલું તે ખેતર માં તે મજુરી કરતો. અને તે મજુરી ના બદલામાં તેને દર વર્ષે કુલ ઉપજ ના ૫% (જી હા ૫%) અનાજ મળતું. જેમાં તેણે તેના પરિવારને પોષવાનું. અનેક વર્ષો ની કાળી મજુરી પછી બિમલ થાક્યો અને ન્યાય માટે કોર્ટ માં ગયો. બિમલ ને ન્યાય પણ મળ્યો. અને શાહુકારને જમીન પાછી આપવાનું ફરમાન કરવામાં આવ્યું. પણ ન્યાય એટલે વળી શું? બીજા દિવસે પોલીસ અને શાહુકારના ગુંડાઓ બંને બિમલ ને ત્યાં ગયા અને ઢોર માર માર્યો. આજુ બાજુ ના થોડા મિત્રોએ પ્રતિકાર એટલે બીજા દિવસે ફરી સશસ્ત્ર પોલીસ આવી અને ૨ નાના બાળકો સહીત ૧૧ લોકોને બન્ધુકથી વીંધી નાખ્યા. લાખો દરિદ્રોનો રોષ ભડકી ઉઠ્યો. બિમલ જે ગામ માં રહેતો હતો તેની બાજુમાંજ આવેલા નક્સલબાડી નામના ગામમાં લોકો રોડ પર ઉતારી આવ્યા. શાહુકારોની ઐસી તૈસી કરી, પોતાની જમીનો પર પાછો પોતાનો કબજો જમાવી લીધો. તીર કમઠા લઇ, શાહુકારો, તેમના પાળેલા કુતરા જેવા પોલીસો અને સરકારી અમલદારોને મારવાનું શરુ કર્યું. સમાજે પહેરવા માટે એક કપડું અને ખાવા માટે એક દાણો નહોતો રહેવા દીધો એવી આ પ્રજાએ શરુ કરેલું આ આંદોલન નક્સલવાદ ના નામે આજે આખા ભારતને ધ્રુજાવે છે.

પરિસ્થિતિ આજે પણ એવીજ છે. મારા એક અંગત મિત્ર ને બે વર્ષ પહેલા પશ્ચિમ બંગાળ માં થયેલો અનુભવ : ઘરમાં કુલ ચાર સ્ત્રીઓ હતી. ચાર સ્ત્રીઓની વચ્ચે પહેરવા માટે ચીથરેહાલ એક જ લાંબુ કપડું હતું. જેને કામ હોય તે એક સ્ત્રી એ ચીથારું વીટાળીને બહાર આવે બાકીની અંદર જ રહે.

અને માત્ર ૩ મહિના પહેલા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓરિસ્સા ગયેલા મારી માતાનો અનુભવ : એક બિસ્કીટનું પેકેટ જો વહેચવા માટે જઈએને તો ૫૦૦-૧૦૦૦ માણસો નું ટોળું પાછળ દોડે એ લેવા માટે. શરીર પર બંને કપડા પહેર્યા હોય એવા પુરુષો તો લગભગ જોવા જ ના મળે. અને એક વાર તો અમે જમેલી એંઠી પાતાળ ગાય પાસે મૂકી તો ૩૦-૪૦ લોકો એમાંથી ઝુંટવી ઝુંટવી ને એ એઠું પણ ખાઈ ગયા.

ભારતના ૮૩.૬ કરોડ લોકો ની રોજ ની આવક ૨૦ રૂપિયા કરતા ઓછી છે. દુરના જંગલો અને ગામડાઓ માં દર વર્ષે ૧૦ લાખ બાળકો સારવારના અભાવે મૃત્યુ પામે છે. આ દેશના કરોડો લોકો આજે પણ સુકવેલુ ઘાસ, ફૂલ અને પાંદડા ખાય છે ને તેનાથી મરે છે.

આતંકવાદ કે નક્સલવાદ ની હિંસાને છવારવાનો બિલકુલ પ્રયાસ નથી કરતો. પણ આજે પણ આપણે ભારતીયો નાત જાત ના વાડા પાડી સમાજ ને બરબાદ કરી રહ્યા છીએ. આજે પણ આ દેશ માં એવા લાખો લોકો છે જે અછૂત હોવાથી મંદિરમાં પ્રવેશ નથી શકતા. આજે પણ એવા કરોડો લોકો છે જે ભુખના માર્યા બહાવરા બની રસ્તા પર ભટકે છે. આપણા પૂર્વજો નું પાપ આપણે ભોગવીએ છીએ. અને આપણા દ્વારા હજુ આ પાપ ચાલુ છે. ખબર નહિ આપણી ભાવી પેઢી કેટલું ભોગવશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


Scroll to Top