ધર્મ ઉપદેશો અને તેનું અર્થઘટન

ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે…

યચ્ચાપી સર્વ ભુતાનામ બીજમ તદ્હમ અર્જુન, ન તદ્સ્તી વિના યત્સ્યાન માયા ભૂત ચરાચર.

અર્થાર્થ : એવું કશુજ ચલ કે અચલ તત્વ નથી જે મારા વિનાનું હોય.

દુનિયાની બધી આસ્તિક પ્રજા ઈશ્વરને માને છે.  મૂળભૂત રીતે તો તેઓ એવું માને છે કે કોઈ એવી શક્તિ છે જે આ બધું કરી રહી છે. એક એવી શક્તિ કે જેને ક્યારેય કોઈએ જોઈ નથી. પણ અનુભવે છે ખરા. અને કદાચ એટલેજ એ શક્તિને દરેક પોતાની રીતે વર્ણવે છે.

એક નાની પણ મજાની રમુજી વાર્તા.

એક ગુરુએ પોતાના શિષ્યને ઉપર મુજબની વાત કરેલી. ઈશ્વર ના અસ્તિત્વ વિષે અને સર્વવ્યાપકતા વિષે. શિષ્ય એક વાર રસ્તા પરથી જતો હતો. એક ગાંડો હાથી ત્યાંથી નીકળ્યો. જે કઈ રસ્તામાં આવે તેણે કચડી નાખે. બજારમાં નાસભાગ મચી ગઈ. હાથી મહાવતના કહ્યા માં નહોતો. હાથી પર બેઠા બેઠા મહાવત બરાડા પાડી પાડીને લોકોને દુર રહેવા જણાવતો હતો. એમ કરતા આ શિષ્ય હાથીની સામે આવી ગયો. મહાવતે દુર થઇ જવા કહ્યું. શિષ્યને ગુરુની વાત યાદ આવી ગઈ. બધા માં ઈશ્વર છે, બધું જ ઈશ્વર છે. આવો ઉપદેશ યાદ આવતા જ શિષ્યમાં હિંમત આવી ગઈ. તેણે વિચાર્યું. મારે ડરવાની શી જરૂર? આ હાથીમાં પણ ઈશ્વર છે. કઈ ઈશ્વર થોડાકને મને કચડી નાખવાના છે? આમ વિચારી ત્યાને ત્યાજ ઉભો રહ્યો. મહાવતે ઘણી રાડો નાખી પણ શિષ્ય ખસ્યો નહિ.  લાલઘુમ આંખો અને ફાટેલો દિમાગ. ડોલતો ડોલતો હાથી નજીક આવવા લાગ્યો. ઈશ્વર પર અતુટ શ્રદ્ધા રાખીને શિષ્ય ખુબ શાંત ભાવે ઉભો રહ્યો. હાથી નજીક આવ્યો. શિષ્યને સુંઢમાં પકડીને ઉચકી લીધો. શિષ્યના તો મોતિયા મરી ગયા. મનમાં બબડવા લાગ્યો કે આ હાથીમાંના ઈશ્વરને શું થયું? હાથીએ સુંઢમાજ રાખી શિષ્યને ૨-૪ આંટા ફેરવ્યા અને પછી ઘા કરી દીધો. શિષ્યનાં હાડકા ખોખરા કરી થઇ ગયા. ૨-૪ જણા ઉપાડી તેને આશ્રમમાં ગુરુ પાસે લઇ આવ્યા અને જે બન્યું તે સઘળી વાત કરી? થોડી વાર રહીને શિષ્ય ભાનમાં આવ્યો. ગુરુને ફરિયાદ કરવા લાગ્યો. તમારો ઉપદેશ માની હું ખસ્યો નહિ. મને થયું હાથીમાં ઈશ્વર છે એટલે મને કઈ નહિ કરે. પણ તમે મને ખોટો ઉપદેશ આપ્યો. ગુરુ બોલ્યા. તને મહાવતે ત્યાંથી દુર ખસી જવાનું કહ્યું હતું? શિષ્ય એ કહ્યું હા. ગુરુ બોલ્યા તો શા માટે ત્યાંથી દુર ના ગયો? જો હાથીમાં ઈશ્વર હોય તો મહાવત માં પણ હોય કે નહિ? તને મહાવતે દુર રહેવા સમજાવ્યો પણ તું ના માન્યો. ઈશ્વરની વાત ના માન્યો એટલે બીજા ઈશ્વરે તને સજા આપી…..

આપણું બધા લોકોનું પણ આવું જ છે. ધર્મના તમામ ઉપદેશોને દરેક પોતાની રીતે અર્થઘટન કરે છે અને સુખ અથવા દુખ ભોગવે છે. અને આ ચાલતું જ રહેવાનું. જેની જેવી વિવેકબુદ્ધિ દુઃખોનું પ્રમાણ એટલું ઓછું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


Scroll to Top