રામ તમે સીતાની તોલે ના આવો….. કદાચ સાચુજ હશે, સાચું જ છે. રામ પોતે પણ સહર્ષ જરૂર સ્વીકારે. પણ માણસ નું એવું છે ને કે જો વિવાદમાં ખુબ સરળતાથી જીત મળી જાય તો બહુ મજા ના આવે. અને એટલા માટે વિવાદ વધવો જોઈએ, વાત ને થોડી વધારે ખેંચવી પડે. એવું સાબિત કરવું પડે કે રામ એ સીતા સાથે ખુબ ખોટું કર્યું અને જો એ તર્કથી સાબિત થાય તો જ જીત નો આનંદ મળે, ભલેને રામ પોતે પણ સ્વીકારે કે હા, સીતા સાથે અન્યાય થયો છે.
આ વાત વિષે મારે કંઈક કહેવું છે. પણ એ પહેલા એક ચોખવટ. આ હું આ રામને નિર્દોષ સાબિત કરવા નથી લખી રહ્યો, એમને સહેજ પણ જરૂર પણ નથી. અને નથી અગ્નિપરીક્ષા કે સીતા ત્યાગને “જસ્ટિફાય” કરવા લખી રહ્યો, એ તો રામ ને પણ નહિ ગમે. બસ હું મારા વિચારો રજુ કરું છું.
રામે સીતાની અગ્નિ પરીક્ષા લીધી. કેમ?
પણ એ પહેલા બીજો પ્રશ્ન. રામએ સીતાના ને શોધ્યાજ શા માટે? શા માટે યુદ્ધ કર્યું?
સીતા ના અપહરણ પછી કેમ પાગલ બનીને રડ્યા? જંગલોમાં ભટક્યા, વાનરો અને રીછોને મદદ માટે વિનવણી કરી, કેમ? કેમ દરિયાકિનારે દિવસો સુધી બેસી સાધના કરી? અને શા માટે છેક લંકા સુધી ગયા? કેમ યુદ્ધ કર્યું? કોના માટે ભાઈને મૃત્યુની લગોલગ પહોંચવા દીધો? શા માટે કર્યું આ બધું?
એટલા માટે કે એ સીતાની અગ્નિપરીક્ષા લઇ શકે?
ના, માત્ર એમની સીતા માટે. એ સીતાને મેળવવા માટે. બાકી એક ની બદલે 21 મેળવી જીવી શક્યાં હોત.
પણ તો પછી અગ્નિપરીક્ષા કેમ? તો એના જવાબ માં એક સવાલ.
આજે મોટા ભાગે સ્ત્રીઓ લગ્ન પછી પોતાની પૈતૃક અટક ચાલુ રાખે છે. બે અટક, પિતાની અને પતિની. પણ આપણી પહેલાની પેઢીમાં એવું નહોતું. આપણા તમામની માતાઓ અટક બદલી જીવી છે.
શું એટલા માટે કે, આપણા સહુ ના પીતાશ્રીઓ ક્રૂર હતા? સ્ત્રીની ઓળખ છીનવી લેવામાં એમને પાશવી આનંદ આવતો?
કે પછી એ સમયે એ સમાજ વ્યવસ્થા હતી અને નવી પેઢી એ પોતાની રીતે બદલી રહી છે?
ફરી વાત અગ્નિપરીક્ષાની. એ કાર્ય એ ત્યારની સમાજ વ્યવસ્થાનું પ્રતિબિંબ છે.
રામ એટલે અયોધ્યા-પતિ, જેમનું બોલેલું સમગ્ર ભારતવર્ષ પાળે અને જેમના ઉદાહરણ દૂર દૂર સુધી દેવાય એ ચક્રવર્તી સમ્રાટ. સમાજ્વ્યસ્થાના અને રાજવ્યવસ્થા સાથે આવ્યો ડર અને જવાબદારી બંને. કે જો હું સીતાને આ રીતે સીધી સ્વીકારું તો કાલે ઉઠી કોઈ પણ સ્ત્રી કઈ પણ કરી શકે અને વ્યવસ્થા તૂટે.
જેમણે ખરેખર રામાયણ નું વાંચન કર્યું છે એમને સીતા ત્યાગની પહેલાના પ્રસંગ વિષે ખ્યાલ હશે. એક સ્ત્રી જે પોતાના ઘરે રાત્રે નથી પહોંચતી એનો પતિ એને સંભળાવે છે કે “હું કઈ રામ નથી કે તું ક્યાંક બીજે જઈને આવ તો પણ સ્વીકારી લવ”. બસ આ વિધાન અયોધ્યાની ટ્રોલ મંડળી ને ચગળવા માટે મળી ગયું અને જોત જોતમાં વાતો થવા લાગી રામ અને સીતા વિષે. મોટા ભાગે અસભ્ય. આ તો એજ થયું જેના ડરથી અગ્નિપરીક્ષા લીધેલી કે હવે કોઈ કશું બોલશે નહિ.
લોકડાઉન માં સ્ત્રીઓ અને પુરુષો બંનેએ હોંશે હોંશે ખુબ મહેનત કરીને બનાવેલી વાનગી કોઈને ભાવિ નહિ અને ફેંકી દીધી તો પણ બનાવનારથી રડાઈ ગયું છે. તો આતો એક મહાભયંકર યુદ્ધ કરીને પાછી મેળવીલી પ્રિય પત્ની, એ વહાલી પત્ની કે જેની ઈચ્છા માટે એ ચક્રવર્તી સમ્રાટ હરણ ની પાછળ દોડેલો અને એ પત્ની જેની છેડતી કરનાર દેવરાજ ઇન્દ્રના પુત્રન જયંતને આખા બ્રહ્માંડ માં દોડાવ્યો હતો અને શિવ સહીત કોઈએ એનો હાથ નહોતો ઝલાયો. ભરોસો હોય કે સોનાની જેમ ચળકતી બહાર આવશે તો જ મૂકેને અગ્નિમાં?
તો પણ લોકોએ તો છેલ્લે એજ કહ્યું જેનું ઉદાહરણ રામ-સીતા બનવા નહોતા ઇચ્છતા. હવે જો રાજા જ એવું કરે તો પ્રજા શું કરે?
આજે પણ સરદાર પટેલ થી લઇ નરેન્દ્ર મોદી સુધી જાણીએ છીએકે પોતાના પરિવારને એ પોતાની પહોંચ થી દૂર રાખે છે. લોકો ખોટું ઉદાહરણ ના લે એટલા માટે. તો આતો રામ!
શું કરવું? છોડી દો અયોધ્યા અને મૂકી દો રાજપાટ. જી હા, અભ્યાસ કરજો રામાયણ નો બરાબર, રામનો નિર્ણય આજ હતો. રામ રાજ્ય છોડી દે હંમેશ માટે અને સીતા સાથે વનમાં જઈ જીવન પૂરું કરે.
પણ જેમ એક સામાન્ય ડોકટર અને પ્રામાણિક હવાલદાર પણ પોતાની ફરજ સમયે લાચાર હોય છે, પોતાના અને પોતાના પરિવાર નું અહિત થવા દઈને પણ ફરજ નથી ચુકી શકતા એ રામના જ તો એક સૂક્ષ્મ અંશ છે.
ના છોડી શકાયુ, “બહુજન હિતાંય” માટે થઇને, અને ફરી અલગ થવાનું થયું સીતાથી. અને છેલ્લે જયારે અશ્વમેઘ કરવાનો થયો ત્યારે બધું જ તો જીતાય ગયેલું, પણ યજ્ઞ ઋષિ એ કહ્યું પત્ની વગર ના થઇ શકે યજ્ઞ તો બીજા લગ્ન કરો. અને ત્યારે એ ચક્રવર્તી સમ્રાટે અશ્વમેઘ યજ્ઞ છોડેલો, પણ માનસિક રીતે સીતા ને નહિ. સીતાની બદલે મૂર્તિ, એતો પછી ઉપાય શોધ્યો.
દરેક સમય એક વ્યવસ્થા ના ભાગ રૂપે ચાલતો હોય છે અને દરેક નવો સમય પોતાની એક નવી વ્યસ્થા લઇ ને આવે છે. એ સમયે એ હતી, આજે આ છે. કાલે નવી વ્યવસ્થા આવવાની છે અને એ નવી વ્યવસ્થાના માપદંડો મુજબ આપણે પણ કદાચ ક્યાંક ગુનેગાર ઠરવાના છીએ.
બસ તો સાચું તો એ કે ભૂતકાળને વર્તમાનના માપદંડો મુજબ મુલવવાનું બંધ કરીએ.
રામનવમી ની શુભકામનાઓ
જય શ્રી સીતા, જય શ્રી રામ