લગભગ ત્રણેક વર્ષ પહેલા અડધી રાત્રે જયારે કામ કરી થાક્યો, ધ્યાન પણ કરી લીધું પણ ઊંઘ નહોતી આવી ત્યારે આ 790 પાનાનું ગુણવંત શાહનું રામાયણ લઈને બેઠો. મોરારી બાપુની કથા, રામાયણ સિરિયલ, તુલસીદાસના રામચરિત માનસનું વાંચન અને એ સિવાય સાંભળેલા કે વાંચેલા રામાયણ સંબંધી વિચારો પછી એક તરફ શંકા હતી કે નવું શું મળશે? અને વિશ્વાસ પણ હતો કે કશુંક તો નવું ચોક્કસ મળશે. શરુ તો કરું…
અને એ અડધી રાતનો સથવારો ત્રણ વર્ષ કરતાં વધુ ચાલ્યો. મોટાભાગે આ રામાયણ મેં મોડી રાત્રે કે વહેલી સવારે વાંચ્યું છે. 12 વાગ્યે, 2…..4 વાગ્યે. ક્યારેક વાંચતા વાંચતા રામાયણે મને શાંતિની ઊંઘ આપી છે તો ક્યારેક અચરજથી ઊંઘ ઉડાવી પણ છે.
એમ કથાનકના સંદર્ભમાં જોઈએ તો રામાયણ વિશે થોડો ઘણો ખ્યાલ હોય એટલે ખાસ કશું નવું નથી. હા, શમ્બુકવધ વિશે આછી પાતળી ખબર હતી, પણ વિશેષ સ્પષ્ટતા આ રામાયણમાંથી મળી
આ રામાયણના વાંચનથી ઊભી થયેલી સૌથી મોટી મૂડી એટલે ગુણવંત શાહનો ભાષા વૈભવ. કેટલાય નવા શબ્દો, અને પાને પાને વહેતા ભાષાકીય અલંકાર એટલે આનંદ જ આનંદ.
ગુણવંતભાઈએ એમની હંમેશની ટેવ મુજબ ક્યાંય પણ કોઈને માફ નથી કર્યા. અત્યંત શાલીનતા સાથે, પણ શબ્દો ચોર્યા વગર રામથી લઈને રામના નામે ઝૂલતા ભક્તો સુધી તમામને સત્ય પરખાવ્યું છે. એમના જ શબ્દોમાં – “રોકડું સત્ય”.
વાલ્મિકી અને તુલસીદાસ, સામાન્ય લોકોને તો બહુ બહુ તો રામાયણના આ બે ગ્રંથની જાણકારી હોય. પણ ગુણવંતભાઈએ વર્ષો સુધી હજારોની સંખ્યામાં કહી શકાય એટલા રામાયણ વિષયક ગ્રંથો, ટીકાઓ, કાવ્યસંગ્રહો, લેખો, નિબંધનો સંપૂર્ણ અભ્યાસ કરીને આ મહાગ્રંથ લખ્યો છે. અને એ ગ્રંથ પણ એ રીતે કે વાચકને કોઈ પણ ઉપદેશ કે નિર્ણય આપવાને બદલે તેની વૈચારિક ક્ષમતા પર ભરોસો મૂકીને, નિર્ણય વાચક પોતે લે તે રીતે મુક્ત રાખ્યો છે. કેટલું અદભુત!
ગુણવંત દાદા, તમે રામાયણ નામે “માનવતાનું મહાકાવ્ય” લખ્યું છે એ “માનવતાની મહાસેવા” તરીકે હંમેશા યાદ રહેશે.
રોકડુ સત્યા – you are an profound writer aswell Prasant!!!
Thank you very much Pratikbhai