આ દુનિયામાં આપવાવાળા લોકો ઘણા છે. ભારતમાં પણ છે અને ભારતની બહાર પણ છે. કોઈ અન્નનું દાન કરે છે તો કોઈ જળ નું. કોઈ રહેવામાટે ઘરનું દાન કરે છે તો કોઈ પહેરવા વસ્ત્ર નું. વિદ્યાદાનથી લઇને કન્યાદાન સુધી અલગ અલગ પ્રકારના દાન નો મહિમા સદા રહ્યો છે અને રહેવાનો છે. મંદિરોથી લઈને જળાશયો સુધીના દાન કરવા વાળા દાનવીરો આપણા દેશ માં સદા થતા રહ્યા છે. જેમણે હમેશા કઈ ને કઈ આપવામાં જ સુખ અને શાંતિ મેળવ્યા છે.
પણ તમને શું લાગે છે આજના સમયમાં સમાજને અને લોકોને સૌથી વધુ જરૂર ક્યાં દાનની છે? મારા મત મુજબ લોકોને સૌથી વધુ જરૂર છે “વિચાર દાનની”, “સહનશક્તિના દાનની” અને “દુખના સમયે જરૂર પડતી હિંમત ના દાનની”
આ દાન કોઈ નથી આપતું. ગીતા શું છે? અર્જુનના પડતીના સમયમાં ભગવાન કૃષ્ણે તેને જે વિચારોનું દાન કર્યું તેનું નામ ગીતા. ભગવાને ક્યારેય અર્જુનને તીર ચલાવતા શીખ્યું નથી કે તેના વતી લડાઈ લડી નથી. તેમણે બસ તેને વૈચારિક હિમત આપી જેનાથી અર્જુન પોતાની લડાઈ લડી શક્યો અને જીતી શક્યો.
ચોરે અને ચૌટે રખડતા અને ભટકતા અને આત્મહત્યા સુધી પહોચતા આજે કેટલાયે અર્જુનો એકાદા મજબુત વિચાર ને અભાવે પોતાના જીવતર બરબાદ કરે છે પણ ક્યાય કોઈ કૃષ્ણ “અવેલેબલ” નથી.
જોકે કૃષ્ણ બનવું તો શક્ય નથી. પણ મુદ્દાની વાત છે વિચારોના દાન ની. પરીક્ષામાં નાપાસ થતો વિદ્યાર્થી ઈચ્છે છે કે કોઈ તેને કહે “એલા યાર કઈ વાંધો નહિ આવતા વર્ષે ફરીવાર વાત. એક વિષયમાં નાપાસ થયો તે કઈ જીંદગી થોડી પૂરી થઇ ગઈ?” ધંધામાં નિષ્ફળ જતો પતિ ઈચ્છે છે કે તેની પત્ની તેને કહે “આખા વરહના સોખા ઘરમાં ભર્યા સે. ખાઈ ને હંધાય જલસો કરશું. તમતમારે તમારી મેનત કરોને” પ્રેમ માં નાસીપાસ થયેલ પ્રેમિકા ઈચ્છે છે કે કોઈ તેને કહે “હશે ઈશ્વરે તારા માટે કઈક વધુ સારું ગોઠવી રાખ્યું છે. તારા નસીબ માં જે હશે તે તને યોગ્ય સમયે મળી જશે. તું તારા સંગીત ના ક્લાસમાં ધ્યાન આપ”.
જો આવા વિચાર દાન કરનારા દાનવીરો મળી જાય તો ઘણાની જીંદગી જીવવી સરળ બની જાય.
(તા.ક. ઇન્ડિસ સર્વિસીઝ અને પ્રશાંત મામતોરા ફાઉંડેશન દ્વારા ગઈ દિવાળી પર છપાવવામાં આવેલી અને વિનામુલ્યે અપાતી પુસ્તક “શક્તિદાયી વિચારો” ની પ્રસ્તાવનાના આ બ્લોગમાં અંશો લીધેલા છે. આ પુસ્તકની ૪૦૦૦ નકલો છપાઈને વિતરિત થઇ ચુકી છે. હવે આવતી દિવાળી (૫/૧૧/૨૦૧૦) પહેલા બીજી ૬૦૦૦ નકલો છપાવવાની મારી અંગત ઈચ્છા છે. બાકી જેવી ભગવાનની મરજી.)