કામ કરવું અને કમાવું જરૂરી છે પણ.. જીવવા માટે – Work Life Balance

થોડા દિવસ પહેલા મારા એક મિત્રએ મને મોકલેલ નાની પણ સરસ વાર્તા: મન ની ખીંટી

અમારાં ઘરમાં રિપેરકામ માટે એક સુથારને બોલાવેલો. એના કામના પહેલા દિવસની આ વાત છે.. કામ પર આવતાં રસ્તામાં ટાયર પંક્ચર થયું એમાં એનો એક કલાક બગડ્યો. કામ શરૂ કર્યા પછી અધવચ્ચે એની ઈલેક્ટ્રિક કરવત બગડી ગઈ. દિવસ પૂરો થયા પછી ઘરે પાછા જતી વખતે એની નાની ટ્રક ચાલી નહીં. હું એને મારી ગાડીમાં એના ઘેર મૂકવા ગયો. રસ્તામાં એ એક પણ શબ્દ બોલ્યો નહીં.

અમે એના ઘેર પહોંચ્યા ત્યારે એણે કહ્યું : ‘ઘરમાં થોડી વાર આવો ને ! મારાં પત્ની અને બાળકોને તમને મળીને આનંદ થશે.’ઘરમાં દાખલ થતાં પહેલાં નાના ઝાડ પાસે એ રોકાયો. બન્ને હાથ એણે ઝાડ પર મૂક્યા. બારણામાં દાખલ થતી વખતે મેં એનામાં અજબનો ફેરફાર થતો જોયો. એના થાકેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું. એનાં બે બાળકોને વહાલથી ભેટ્યો અને પત્નીને ચૂમી આપી. મને એ કાર સુધી મૂકવા આવ્યો. અમે પેલા ઝાડ પાસેથી પસાર થયા ત્યારે મારું કુતૂહલ હું રોકી શક્યો નહીં. મેં એને પૂછ્યું : ‘ઘરમાં દાખલ થતાં પહેલાં તમે ઝાડને શા માટે અડ્યા ?’

‘અરે, હા. આ ઝાડ તો મારા મનની ખીંટી છે. હું કામે જાઉં ત્યાં કોઈ ને કોઈ તકલીફ તો આવવાની જ, પણ એક વાત નક્કી કે ઘરે મારાં પત્ની અને બાળકોને એની સાથે શું લેવાદેવા ? શા માટે હું મારા કામનો ગુસ્સો તેમના પર ઉતારું? હું આ લોકો માટેજ તો કમાવ છું અને મહેનત કરું છું તો પછી શા માટે તેમની સાથી આનંદથી સમય ના પસાર કરું?

એટલે,જ્યારે સાંજે કામ પરથી ઘરે પાછો આવું છું ત્યારે તકલીફો આ ઝાડ પર લટકાવી દઈ ઘરમાં દાખલ થાઉં છું. સવારે કામ પર જતાં આ ઝાડ પરથી તકલીફો પાછી લઈ લઉં છું.

પણ નવાઈની વાત તો એ છે કે રાતે મૂકેલી તકલીફોમાંથી ઘણીખરી સવારે ત્યાં હોતી નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


Scroll to Top