ભોલાનાથ ભગવાન શિવ ની પૂજા હમેશા લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. શિવ મંદિરમાં લિંગ એ શિવ નું સ્વરૂપ છે અને શિવ ની ફરતે જે પથ્થર અથવા ધાતુનું થાળું હોય છે તે માતા પાર્વતીનું સ્વરૂપ છે. કદાચ મારા ખ્યાલમાં હિંદુ ધર્મ માં ભગવાન શિવ એક જ એવા દેવ છે જેની મંદિરમાં સીધાજ ભક્તો દ્વારા રોજે રોજ પૂજા થતી હોય. બાકી દરેક દેવાને રોજે રોજ તો પ્રણામ અને પ્રર્થાનાજ થતી હોય પણ શિવ ને રોજ પાણી, ચંદન, તલ, પુષ્પ, બીલી પત્ર વગેરેથી પૂજવામાં આવે છે. અને કઈ નહિ તો એક લોટો પાણી એટલે બસ. ઘણા લોકો ડોલ ભરી ભરી ને બરફથી ઠંડું કરેલું પાણી શિવજી ને ચડાવતા હોય છે. અનેક જગ્યાએ મેં પાણી ની પાઈપથી નળ ખુલો રાખીને સીધાજ શિવનો અભિષક થતો જોયો છે. બસ પાણી આપો એટલે ભોલાનાથ પ્રસન્ન. રોજેય આ દેશમાં આવેલા લાખો શિવ મંદિરમાં આવતા કરોડો લોકો ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે જળ અને દૂધ ચડાવતા હોય છે. પણ હું એક બહુ સરસ વ્રત કહેવા જઈ રહ્યો છું. જેનાથી શિવ અચૂક અને બહુ જલ્દી પ્રસન્ન થશે.
આ વ્રતના બે ભાગ છે.
પહેલા ભાગમાં સૌ પ્રથમ તો સાધકે બપોરના લગભગ ૧ વાગ્યે ઘરની બહાર નીકળવું. કે જયારે સુર્ય બરાબર મધ્યાહને આવી ચુક્યો હોય અને તાપમાન નો પારો ૪૨-૪૫ ડિગ્રી બતાવતો હોય. આ સમયે બહાર આવી પ્રથમ અડધો કલાક રોડ પર ઉભા રહેવું. ત્યાર બાદ ચાલવા નીકળવું. જો ચપ્પલ ના પહેરો તો વધુ સારું નહીતો ચપ્પલ પહેરી ને એક કલાક સુધી રોડ પર ચાલવું. ત્યાર બાદ ફરી અડધો કલાક ઉભું રહેવું. હવે જો ઉભું ના રહી શકાય તો બેઠા બેઠા પણ બીજી એક કલાક રોડ પર પસાર કરાવી. એટલે આમ ત્રણ કલાક નો કુલ સમય જશે. આ દરમ્યાન પાણી થી માંડી ને અનાજ નો એક પણ દાણો લેવો નહિ. આ રીતે ત્રણ કલાક પસાર કરવાથી ૪ વાગી જશે. હવે ઘેર જવું. પોતાની જાતે પાણી લેવું. અને જ્યાં સુધી એમ ના થાય કે બસ હવે નહિ જીવાય ત્યાં સુધી એ ગ્લાસ મોઢામાં મુકવો નહિ. હું ખાતરી આપું છું ૧ મીનીટ પણ નહિ ખમી શકાય. તરફડતી જીંદગી ને બચાવી લેવા માટે એ સમયે જે જુનુન છે, એ તડફડાટ છે તેનો ખાસ અનુભવ કરવો. જીંદગી ભર નહિ ભુલાય એ.
હવે વ્રતનો બીજો ભાગ.
ભારતમાં રહેતા ૩૮ કરોડ લોકો કે જેની પાસે રહેવા માટે ઘર નથી તેઓ શિયાળો ઉનાળો અને ચોમાસું એક જ છત્ર નીચે વિતાવે છે. ખુલું આકાશ. જે પરિસ્થિતિ આપણે ૩ કલાક માટે અનુભવી તે તો તેમનું જીવન છે. ભલે પછી તે ૫ વર્ષનું બાળક હોય કે ૭૫ વર્ષના વૃદ્ધ. ભારતમાં પીવાનું પાણી ના મળવાથી દર વર્ષે લાખો લોકો મરે છે. અને ભારતના ૬,૩૮,૫૮૮ ગામડાઓ અને ૫૧૬૧ શહેરોમાં આવેલા શિવ મંદિરોમાં રોજ કેટલા લીટર પાણી ચડતું હશે? ધર્મ, ઈશ્વર કે શ્રદ્ધા કોઈની સામે મને બિલકુલ વાંધો નથી. પણ આજે હવે સમયને પારખીને ચાલીએ તો વધુ સારું. કોઈ વેદ કે પુરણ માં એવું લખ્યું છે કે એક લીટર પાણી થી શિવજી મહિને ૫૦૦૦ ની નોકરી અપાવશે અને ૫ લીટરથી મહિને ૨૦૦૦ ની નોકરી મળશે. એક ડોલ પાણી થી ઘરમાં ઝઘડો નહિ થાય અને એક ડોલ સાથે અમુલ દૂધ ની એક કોથળી ચડાવવાથી લગ્ન જલ્દી થઇ જશે.
અરે બાપુ……. એતો શિવ છે. જે દરેક જીવ માં વાસ કરે છે. પોતાની ભૃકુટીના ઈશારે આખા બ્રહ્માંડ નો નાશ કરતા એ મહાકાલ ને વળી આપણા એક લોટા કે એક ડોલથી શું ફરક પડી જવાનો છે? પોતાના મસ્તક માં ગંગા ધારણ કરનારને પાઇપથી સીધા કરતા અભિષેકમાં શી મજા આવી જતી હશે? જો શ્રદ્ધા હશે તો હાથ ની એક અંજલી પણ સ્વીકારી લેશે. મંદિરમાં આવતા દર ચોથી વ્યક્તિને હું ૨-૩ ડોલ પાણી શિવ ને ચડાવતા અને થાળું સાફ કરતા જોવ છું. બહુ બહુ તો એક નાનો લોટો પાણી બસ છે ભાઈ. બાકીતો કેટલાયે મંદિરના પુજારીઓ પોતાના લંપટ કર્મોથી અત્યારે કયો જન્મ લઇ શું ભોગવતા હશે એ કોને ખબર? ભલે ને તેમણે આખા કુવા શિવજી પર ઢોળી દીધા હોય આખી જીંદગીમાં.
આપણાજ દેશમાં દર વર્ષે ૧૦ લાખ આદિવાસી બાળકો કુપોષણ ના લીધે મૃત્યુ પામે છે. ઉનાળા ના બળબળતા તાપ માં એક દિવસ શિવજીને દૂધ ચડાવવાને બદલે રસ્તે રખડતા બાળક ને એક આઈસ્ક્રીમ કેન્ડી આપો તો કેવું રહે? જે હાશ વ્રતના પહેલા ભાગમાં આપણને થયેલી તે તેના હૃદય માંથી નીકળશે. તેની અંદર રહેલો શિવ બોલી ઉઠશે “તથાસ્તુ”.
VERY NICE. Thinking